નંણદ બાદ સસરાએ રીવાબા પર લગાવ્યા આરોપ, અમે પાંચ વર્ષમાં પૌત્રીનો ચહેરો જોયો નથી : અનિરુદ્ધસિંહ જાડેજા
રવીન્દ્ર જાડેજા અને રીવાબા
ભારતીય ટીમના સ્ટાર ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ તેમના પુત્ર અને પુત્રવધૂ સાથેના સંબંધ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે રવીન્દ્ર જાડેજા અને રીવાબાના પરિવારમાં લગ્નના થોડા મહિના પછી જ સમસ્યા શરૂ થઈ ગઈ હતી. રીવાબાને કારણે તેના પરિવારમાં અણબનાવ બન્યો છે. એક જ શહેરમાં રહેતા હોવા છતાં તેમને તેમના પુત્રને મળવાની તક નથી મળતી.
એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કરતાં તેમણે કહ્યું કે ‘હું તમને સત્ય કહું છું. મારો રવિ કે તેની પત્ની રીવાબા સાથે કોઈ સંબંધ નથી. અમે તેમને કૉલ કરતાં નથી અને તેઓ અમને કૉલ કરતાં નથી. રવિનાં લગ્નના બે-ત્રણ મહિના પછી જ વિવાદ થવા લાગ્યા. હાલમાં હું જામનગરમાં રહું છું. મને નથી ખબર કે તેની પત્નીએ તેના પર શું જાદુ ચલાવ્યો છે. જો તેણે લગ્ન ન કર્યાં હોત તો સારું થાત. જો તે ક્રિકેટર ન બન્યો હોત તો સારું થાત. અમે આ સ્થિતિમાં ન હોત.’
ADVERTISEMENT
અનિરુદ્ધસિંહે દાવો કર્યો હતો કે રીવાબા સ્વતંત્ર જીવન ઇચ્છે છે અને જાડેજાની તમામ મિલકતો તેમના નામે ટ્રાન્સફર કરવામાં આવી છે. જાડેજાના પિતાએ દાવો કર્યો હતો કે તેમના પુત્ર પર તેમનાં સાસરિયાંઓનું સંપૂર્ણ નિયંત્રણ છે. તેમણે આગળ જણાવ્યું કે હું કાંઈ પણ છુપાવવા માગતો નથી. અમે પાંચ વર્ષમાં અમારી પૌત્રીનો ચહેરો પણ જોયો નથી.’
જાડેજાએ તમામ આરોપને નકાર્યા
જાડેજાએ એક્સ પર એક પોસ્ટ શૅર કરી છે, જેમાં તેણે ગુજરાતી ભાષામાં લખ્યું છે કે ‘ઇન્ટરવ્યુમાં જે વાતો કહેવામાં આવી છે એ બધી વાહિયાત અને ખોટી છે. મારી અને મારી પત્નીની ઇમેજને ખરાબ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. મારે પણ ઘણું કહેવું છે, પરંતુ હું આ બધું જાહેરમાં નહીં કહીશ.’
રવીન્દ્ર જાડેજા હાલમાં પોતાના ઘરથી દૂર છે. તે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટશ્રેણીની પ્રથમ મૅચમાં ભારત તરફથી રમ્યો હતો, પરંતુ ઈજાને કારણે બીજી મૅચમાંથી બહાર રહ્યો હતો. જોકે હવે જાડેજા ત્રીજી ટેસ્ટ માટે ફરીથી ટીમ ઇન્ડિયા સાથે જોડાઈ શકે છે.
રીવાબાની નંણદ સાથે થઈ છે બબાલ
૨૦૨૧માં જાડેજાની બહેન નયનાબાનો તેની ભાભી રીવાબા સાથે વિવાદ થયો હતો. ત્યારે નયનાબા કૉન્ગ્રેસના રાજકારણમાં સક્રિય હતાં, જ્યારે રીવાબા બીજેપીના રાજકારણમાં જોડાયાં હતાં. આ ઉપરાંત રીવાબા એ સમયે સૌરાષ્ટ્રની કરણી ક્ષત્રિય સેનાના પ્રમુખપદે હતાં
ત્યારે રાજકીય કાર્યક્રમને કારણે નંણદ-ભાભી વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ રીવાબા જાડેજાએ એક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોને એકઠા કર્યા હતા, પરંતુ એ લોકોએ યોગ્ય રીતે માસ્ક પહેર્યા નહોતા. આ સંદર્ભે નયનાબા જાડેજાએ ઝાટકણી કાઢી હતી અને બોલાચાલી થઈ હતી.
ટીમ ઇન્ડિયા માટે ૬૯ ટેસ્ટ, ૧૯૭ વન-ડે અને ૬૬ ટી૨૦ મૅચ રમી ચૂકેલા રવીન્દ્ર જાડેજાએ હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૫ વર્ષ પૂરાં કર્યાં હતાં. જાડેજાએ ટીમ ઇન્ડિયા માટે ટેસ્ટમાં ૨૮૯૩ રન, વન-ડેમાં ૨૭૫૬ રન અને ટી૨૦માં ૪૮૦ રન કર્યા છે. તેણે ટેસ્ટમાં ૨૮૦ વિકેટ, વન-ડેમાં ૨૨૦ વિકેટ અને ટી૨૦માં ૫૩ વિકેટ લીધી છે. રીવાબા ૨૦૨૨થી જામનગર ઉત્તરથી ભારતીય જનતા પાર્ટીનાં એમએલએ છે.