ઈ-ઑક્શનમાં રિલાયન્સ અને ડિઝની-સ્ટાર વચ્ચે તીવ્ર હરીફાઈ

પ્રતીકાત્મક તસવીર
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના ટીવી તથા ડિજિટલ રાઇટ્સ માટેના ઈ-ઑક્શનમાં ગઈ કાલે પહેલા જ દિવસે બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ની તિજોરી કલ્પના પણ ન કરી શકાય એ રીતે ભરાવા માંડી હતી. બે દિવસની આ હરાજીમાં પ્રથમ દિવસે મીડિયા રાઇટ્સ માટેનું કુલ મૂલ્ય ૫૦,૦૦૦ કરોડ રૂપિયાની સપાટી સુધી પહોંચી શકે એમ છે.
ખેલકૂદની કોઈ એક ઇવેન્ટ માટેના મિડિયા રાઇટ્સની બાબતમાં નવો વિશ્વવિક્રમ રચાવાની તૈયારીમાં છે. ૨૦૨૩થી ૨૦૨૭ સુધીનાં પાંચ વર્ષ માટેની બિડિંગ પ્રોસેસ હજી ચાલુ જ હતી ત્યાં આ આંકડો એકદમ નવી ઊંચાઈએ પહોંચવાની તૈયારીમાં હતો. સ્ટાર ઇન્ડિયાએ ૨૦૧૭ત્રી ૨૦૨૨નાં પાંચ વર્ષ માટે આ રાઇટ્સ ૧૬,૩૪૭ કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. એ અગાઉ સોની નેટવર્કે ૧૦ વર્ષ માટેના રાઇટ્સ ૮૨૦૦ કરોડ રૂપિયામાં મેળવ્યા હતા.
ગઈ કાલે ઑક્શન દરમ્યાન વિવિધ બિડ વચ્ચેની હરીફાઈમાં જે ઉછાળો આવ્યો હતો એ મુજબ આગામી આઇપીએલની એક મૅચનું મૂલ્ય ૧૦૦ કરોડ રૂપિયાથી વધી ગયું હતું.
મુખ્ય ચાર કંપનીઓ આઇપીએલના મીડિયા રાઇટ્સ ખરીદવાની રેસમાં છે અને એમાં રિલાયન્સ ગ્રુપના વાયકૉમ18, ડિઝની-સ્ટાર, સોની અને ઝીનો સમાવેશ છે. ચારમાંથી માત્ર બે પૅકેજ (પૅકેજ ‘એ’-ઇન્ડિયા ટીવી રાઇટ્સ અને પૅકેજ ‘બી’-ઇન્ડિયા ડિજિટલ રાઇટ્સ) માટે બીસીસીઆઇને કુલ ૪૨,૦૦૦ કરોડ રૂપિયાનાં બિડ મળ્યાં હતા અને એમાં આજે હજી વધારો થઈ શકે છે. વાયકૉમ18-ઉદય શંકર કન્સોર્ટિયમ અને વર્તમાન મીડિયા હકના માલિક ડિઝની-સ્ટાર વચ્ચે તીવ્ર હરીફાઈ થઈ રહી છે.