KCAએ ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર એસ. શ્રીસાન્તને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે. એક મલયાલમ ટીવી-ચૅનલ પર ચર્ચા દરમ્યાન ભારતીય વિકેટકીપર-બૅટર સંજુ સૅમસન અને KCA વચ્ચેના અણબનાવ પર કમેન્ટ કરવા બદલ બોર્ડે તેને નોટિસ ફટકારી હતી.
એસ. શ્રીસાન્ત
કેરલા ક્રિકેટ અસોસિએશન (KCA)એ ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર એસ. શ્રીસાન્તને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે. એક મલયાલમ ટીવી-ચૅનલ પર ચર્ચા દરમ્યાન ભારતીય વિકેટકીપર-બૅટર સંજુ સૅમસન અને KCA વચ્ચેના અણબનાવ પર કમેન્ટ કરવા બદલ બોર્ડે તેને નોટિસ ફટકારી હતી. KCAએ નિવેદનમાં સ્પષ્ટતા કરી છે કે નોટિસ સૅમસનને ટેકો આપવા બદલ નહીં, પરંતુ KCA વિરુદ્ધ ભ્રામક અને અપમાનજનક કમેન્ટ કરવા બદલ આપવામાં આવી હતી.
કેરલાની એક ફ્રૅન્ચાઇઝી લીગની ટીમનો માલિક શ્રીસાન્ત આ નોટિસનો સંતોષકારક જવાબ આપી શક્યો ન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિજય હજારે ટ્રોફી માટે કેરલા ટીમમાંથી સૅમસનને બાકાત રાખવા બદલ શ્રીસાન્તે KCAની ટીકા કરી હતી. એવું માનવામાં આવે છે કે એ નિર્ણયથી સૅમસનની ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમમાં પસંદગીની શક્યતાઓ પર અસર પડી હતી. અહેવાલ અનુસાર સંજુ સૅમસનના પપ્પા વિશ્વનાથ અને અન્ય બે લોકો સામે સંજુના નામે પાયાવિહોણા આરોપો લગાવવા બદલ વળતરનો દાવો દાખલ કરવામાં આવશે.


