ક્રિકેટમાંથી બ્રેક મળતાં જ ધોની મળ્યો CISFના જવાનોને , રેપનો આરોપી નેપાલી ક્રિકેટર સંદીપ લામિચાને નિર્દોષ જાહેર અને વધુ સમાચાર
સૌરવ ગાંગુલી , રિષભ પંત
ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન અને દિલ્હી કૅપિટલ્સના ડિરેક્ટર ઑફ ક્રિકેટ સૌરવ ગાંગુલીનું માનવું છે કે રિષભ પંત એક ઉત્તમ કૅપ્ટન છે અને તેની કૅપ્ટન્સીમાં સમય અને અનુભવ સાથે સુધારો થશે. બાવન વર્ષના ગાંગુલીએ જિયો સિનેમાને કહ્યું, ‘પંત એક યુવા કૅપ્ટન છે અને તે સમય સાથે શીખશે. ઈજામાંથી વાપસી કર્યા પછી તે આખી સીઝન કેવી રીતે રમ્યો એ ઑફ સીઝન દરમ્યાન અમને ખાતરી નહોતી.’ ‘દાદા’ના ઉપનામથી જાણીતા સૌરવ ગાંગુલીએ આગળ કહ્યું, ‘મને ખુશી છે કે તે પાછો આવ્યો અને આખી સીઝન રમ્યો. મારી શુભેચ્છાઓ તેની સાથે છે. પહેલા દિવસથી કોઈ મહાન કૅપ્ટન નથી બનતો. તે પણ શીખી રહ્યો છે અને સમય સાથે તે વધુ સારો થશે.’
ક્રિકેટમાંથી બ્રેક મળતાં જ ધોની મળ્યો CISFના જવાનોને
ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો ક્રિકેટપ્રેમ અને આર્મીની વરદી પ્રત્યેનો પ્રેમ આખી દુનિયા જાણે છે એટલે જ જ્યારે પણ ક્રિકેટમાંથી બ્રેક મળે છે ત્યારે ધોની દેશની સુરક્ષા કરતા જવાનો સાથે જોવા મળે છે. ૨૦૦૯માં પદ્મશ્રી અને ૨૦૧૮માં પદ્મભૂષણથી સન્માનિત ધોની ભારતની ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલ છે. ગઈ કાલે ધોનીએ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF)ની ચેન્નઈસ્થિત ઑફિસમાં જવાનો સાથે મુલાકાત કરી હતી. જવાનો સાથે વાતચીત કરીને તેમની પાસેથી ઘણી નવી બાબતો જાણ્યા બાદ ધોનીએ ફોટોશૂટ પણ કરાવ્યું હતું.
રેપનો આરોપી નેપાલી ક્રિકેટર સંદીપ લામિચાને નિર્દોષ જાહેર
નેપાલની એક હાઈ કોર્ટે ગઈ કાલે ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન સંદીપ લામિચાનેની રેપના આરોપમાં ૮ વર્ષની જેલની સજાને ઊલટાવી દીધી હતી અને તેને નિર્દોષ જાહેર કર્યો હતો. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે ૨૦૨૨ની ૨૧ ઑગસ્ટે તેનું યૌનશોષણ થયું હતું. ત્યાર બાદ લામિચાનેની ધરપકડ કરવામાં આવી હતી. તેણે જામીન પર છૂટતાં પહેલાં જેલમાં સમય વિતાવ્યો હતો. લામિચાનેને ૩ લાખ રૂપિયાનો દંડ અને પીડિતાને વળતરરૂપે બે લાખ રૂપિયા આપવા પડ્યા હતા. નિર્દોષ જાહેર થયા બાદ તે પશુપતિનાથ મંદિરે દર્શન કરવા ગયો હતો.
સંજુ સૅમસનના ચાહકે છત પર બનાવ્યું અદ્ભુત પેઇન્ટિંગ
રાજસ્થાન રૉયલ્સના કૅપ્ટન સંજુ સૅમસનની દીવાનગીની સાબિતી આપતો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. કેરલામાં સંજુ સૅમસનના એક ચાહકે ઘરની છત પર સંજુ સૅમસનનું અદ્ભુત પેઇન્ટિંગ બનાવ્યું હતું. સંજુ સૅમસનનાં આ પહેલાં પણ ઘણાં પેઇન્ટિંગ બન્યાં છે, પણ છત પર પેઇન્ટિંગ બનાવવાની આ પહેલી ઘટના છે.
સાઉથ આફ્રિકન બોલર કૅગિસો રબાડા કેમ સ્વદેશ પરત ફર્યો?
પ્લેઑફની રેસમાંથી બહાર થયેલા પંજાબ કિંગ્સના વધુ એક વિદેશી ક્રિકેટરે ટીમનો સાથ છોડ્યો છે. લિઆમ લિવિંગસ્ટન બાદ હવે ઈજાને કારણે ફાસ્ટ બોલર કૅગિસો રબાડાએ ટીમનો સાથ છોડ્યો છે. સાઉથ આફ્રિકાની વર્લ્ડ કપ ટીમમાં સામેલ એકમાત્ર બ્લૅક ક્રિકેટર કૅગિસો રબાડા હૅમસ્ટ્રિંગની ઈજાને કારણે સ્વદેશ પરત ફર્યો છે. અહેવાલ અનુસાર ૨૮ વર્ષનો રબાડા ઇન્ફેક્શનને કારણે સ્વદેશ પરત ફર્યો છે. સાઉથ આફ્રિકાની ટીમ ૩ જૂને ન્યુ યૉર્કમાં શ્રીલંકા સામે T20 વર્લ્ડ કપ 2024 અભિયાનની શરૂઆત કરશે. એ પહેલાં સાઉથ આફ્રિકાની મેડિકલ ટીમ રબાડાની સારવાર કરશે, જેથી તેની વર્લ્ડ કપની તૈયારીઓ પર કોઈ અસર નહીં પડે.
પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે કરી ભારતીય ક્રિકેટ બોર્ડની કૉપી
વન-ડે વર્લ્ડ કપ 2023થી ભારતીય ક્રિકેટ બોર્ડે ખેલાડીઓને પ્રોત્સાહન આપવા મૅચ બાદ બેસ્ટ ફીલ્ડર સહિતના અવૉર્ડ આપવાની શરૂઆત કરી હતી. હવે પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે ભારતીય બોર્ડની આ પહેલની કૉપી કરી છે. પાકિસ્તાની ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા માટે આયરલૅન્ડ સામેની સિરીઝ દરમ્યાન પાકિસ્તાની બોર્ડે ઇમ્પૅક્ટ પ્લેયર અને બેસ્ટ ફીલ્ડર અવૉર્ડ આપવાની શરૂઆત કરી છે, જેને કારણે સોશ્યલ મીડિયા પર લોકો તેમને ‘કૉપીકૅટ’ કહીને ટ્રોલ કરી રહ્યા છે.

