દિલ્હીમાં એક કાર્યક્રમમાં થયું કૅપ્ટન હરમનપ્રીત સાથે મિલન
લગ્ન રદ થયા બાદ પ્રથમ વાર જાહેરમાં જોવા મળી સ્મૃતિ
ભારતની સ્ટાર ક્રિકેટર સ્મૃતિ માન્ધના સંગીતકાર પલાશ મુચ્છલ સાથે લગ્ન રદ થયા બાદ ગઈ કાલે પહેલી વાર જાહેરમાં દેખાઈ હતી. ગઈ કાલે સવારે પ્રથમ બ્લુ સ્વેટર અને ડેનિમ જીન્સમાં દિલ્હી ઍરપોર્ટ પર દેખાઈ હતી અને ત્યાર બાદ ભારત મંડપમમાં ઍમૅઝૉનના સંભવ સમિટમાં આવી હતી. ત્યાં તેની મુલાકાત કૅપ્ટન હરમનમપ્રીત કૌર સાથે થઈ હતી. ગયા મહિને વિમેન્સ વર્લ્ડ કપમાં ટીમને ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વનો રોલ ભજવનાર કૅપ્ટન અને વાઇસ-કૅપ્ટન ખૂબ જ ઉમેળકારભેર એકબીજાને મળ્યાં અને ભેટ્યાં હતાં.
૨૩ નવેમ્બરે લગ્ન પોસ્ટપૉન રહ્યા બાદ ૧૫ દિવસના સસ્પેન્સ વિશે રવિવારે સ્મૃતિએ મૌન તોડતાં લગ્ન તૂટી ગયાં હોવાની જાહેરાત કરી હતી. બીજા જ દિવસે સ્મૃતિએ મેદાન પર ઊતરીને સૌને ચોંકાવ્યા છે. સ્મૃતિના ભાઈ શ્રવણ માન્ધનાએ એક ફોટો શૅર કર્યો હતો જે સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયો હતો. આ ફોટોમાં સ્મૃતિ ક્રિકેટરના સંપૂર્ણ ડ્રેસ, હેલ્મેટ અને પૅડ પહેરીને નેટમાં બૅટિંગ કરતી જોવા મળી હતી.
ભારતની આ વાઇસ-કૅપ્ટન ૨૧થી ૩૦ ડિસેમ્બર દરમ્યાન શ્રીલંકા સામે ઘરઆંગણે આયોજિત પાંચ મૅચની T20 સિરીઝ રમવા ઊતરશે. વન-ડે વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય વિમેન્સ ટીમની આ પહેલી સિરીઝ રહેશે.
ADVERTISEMENT
ક્રિકેટ કરતાં વધુ કોઈને પ્રેમ નથી કરતી, ભારતીય જર્સી પહેરતાં જ બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે
ગઈ કાલે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમ દરમ્યાન સ્મૃતિ માન્ધનાએ કહ્યું હતું કે ‘મને નથી લાગતું કે હું ક્રિકેટ કરતાં વધુ કોઈને પ્રેમ કરતી હોઉં. ભારતીય જર્સી પહેરવાથી પ્રેરણા મળે છે અને બધી જ સમસ્યાઓ દૂર થાય છે. એથી જિંદગી પર ફોકસ કરવામાં મદદરૂપ થાય છે.’
નાનપણથી વર્લ્ડ ચૅમ્પિયન બનવા ઇચ્છતી હતી અને ૧૨ વર્ષ સુધી મહેનત કર્યા બાદ આખરે એ સપનું સાકાર થયું હતું એમ જણાવીને છેલ્લે તેણે કહ્યું હતું કે ‘તમે છેલ્લી ઇનિંગ્સમાં સેન્ચુરી ફટાકરી હોય કે નહીં, પણ તમારે હંમેશાં ઇનિંગ્સની શરૂઆત ઝીરોથી જ શરૂ કરવી પડે છે. પોતાના માટે ન રમો એ અમે એકબીજાને યાદ અપાવતાં રહીએ છીએ.’


