ટીમ ઇન્ડિયાનો નવો યુવા ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલ કહે છે...
દિનેશ કાર્તિકને ઇન્ટરવ્યુ આપી રહેલો ભારતીય ટેસ્ટ ટીમનો કૅપ્ટન શુભમન ગિલ.
ભારતીય ટેસ્ટ-ટીમના નવા ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલે હાલમાં ભૂતપૂર્વ ક્રિકેટર દિનેશ કાર્તિકને આપેલા એક ઇન્ટરવ્યુમાં મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તે કહે છે, ‘મેં ક્યારેય સપનું પણ નહોતું જોયું કે હું ભારતીય ક્રિકેટ-ટીમનો કૅપ્ટન બનવા માગું છું. હું એક એવું ટીમ-કલ્ચર બનાવવા માગું છું જ્યાં દરેક વ્યક્તિ ખૂબ જ સુરક્ષિત અને ખુશ હોય. હું જાણું છું કે એ ખૂબ મુશ્કેલ હોઈ શકે છે, ખાસ કરીને બધી સ્પર્ધાઓ અને આપણે રમીએ છીએ એ મૅચોની સંખ્યાને ધ્યાનમાં લેતાં ત્યાં અલગ-અલગ ટીમો છે. એથી સલામત વાતાવરણ જાળવવું અને ખેલાડીને તેની ક્ષમતામાં સુરક્ષિતતા અનુભવ કરાવવી, મારા મતે આ એક લીડરે કરાવવા જેવાં સૌથી મહત્ત્વપૂર્ણ કાર્યોમાંનું એક છે.’
પચીસ વર્ષના આ કૅપ્ટને આગળ કહ્યું, ‘હેડ કોચ ગૌતમ ગંભીર અને સિલેક્ટર અજિત આગરકર ફક્ત ઇચ્છે છે કે હું મારી જાતને એક લીડર તરીકે વ્યક્ત કરું. તેમણે મને કહ્યું છે કે મારી પાસેથી કોઈ અપેક્ષાઓ નથી. તેઓ મારી પાસેથી એવું કંઈક કરવાની અપેક્ષા રાખતા નથી જે હું કરવા સક્ષમ નથી, પરંતુ એક લીડર અને પ્લેયર તરીકે ચોક્કસપણે મને મારી પાસેથી ઘણી અપેક્ષાઓ છે.’

