IPLમાં અનસોલ્ડ રહેવાની સાથે ભારેભરખમ શરીર માટે ટ્રોલ થયા બાદ ફિટનેસ પર ખૂબ જ ફોકસ કરી રહ્યો છે આ વિકેટકીપર-બૅટર
પહેલાં અને અત્યારે
IPL 2025ના મેગા ઑક્શનમાં અનસોલ્ડ રહેનાર મુંબઈના ૨૭ વર્ષના વિકેટકીપર-બૅટર સરફરાઝ ખાને છ અઠવાડિયાંમાં ૧૦ કિલો વજન ઘટાડીને સૌને ચોંકાવી દીધા છે. છેલ્લે નવેમ્બર ૨૦૨૪માં ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમનાર સરફરાઝ ખાન આગામી ઇંગ્લૅન્ડ-ટૂરમાં ઇન્ડિયા-A ટીમ માટે સિલેક્ટ થયો છે. ભારેભરખમ શરીરને કારણે ટ્રોલ થયા બાદ ક્રિકેટ કરીઅરમાં સ્થિરતા મેળવવા માટે તે પોતાની ફિટનેસ પર બરાબર ફોકસ કરી રહ્યો છે જેના કારણે તે પહેલાં કરતાં વધુ પાતળો દેખાઈ રહ્યો છે.
તેના બન્ને ભાઈઓ સહિત આખો પરિવાર તેની ફિટનેસ પર ધ્યાન આપી રહ્યો છે. તેના પપ્પા અને મુંબઈના ભૂતપૂર્વ ક્રિકેટર નૌશાદ ખાને ઘૂંટણની રિપ્લેસમેન્ટ સર્જરીથી બચવા માટે એક મહિનાની અંદર ૧૨ કિલો વજન ઘટાડી દીધું હતું. નૌશાદ ખાને ખુલાસો કર્યો કે ‘અમારા આખા પરિવારે વજન ઘટાડવાના મિશન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સરફરાઝે ઑલમોસ્ટ ૧૦ કિલો વજન ઘટાડ્યું છે જે સરળ નથી અને તે હજી વજન ઘટાડવા માટે આતુર છે. અમે મુંબઈ ક્રિકેટ અસોસિએશનના જિમમાં અઠવાડિયામાં છ દિવસ ઑલમોસ્ટ એક કલાક પરસેવો પાડીએ છીએ. હું ચાલવા જાઉં છું અને સરફરાઝ એક કલાક માટે જૉગિંગ કરે છે. તે કેટલાક સમય માટે સ્વિમિંગ પણ કરે છે.’
ADVERTISEMENT
સરફરાઝે ડાયટમાં કર્યા છે આ ફેરફાર
સરફરાઝના પપ્પાએ કરેલા ખુલાસા અનુસાર તેણે ભાત અને ઘઉંની આઇટમ ખાવાનું પૂરી રીતે બંધ કરી દીધું છે. તે બાફેલા ચિકન અને ઈંડાં સાથે સલાડ ખાય છે અને ગ્રીન ટી તથા બ્લૅક કૉફીનું પણ સેવન કરે છે. તેણે ડાયટમાં તેલનો ઉપયોગ પણ ખૂબ ઓછો કરી દીધો છે. ટૂંકમાં સરફરાઝે ફિટનેસ માટે પોતાની ફેવરિટ ડિશ ચિકન અને મટન બિરયાનીથી દૂર રહેવાનું નક્કી કર્યું છે.


