BCCI તરફથી કર્નલ સી. કે. નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ મેળવનાર સચિન તેન્ડુલકરે વર્ણવ્યો યુવાન પ્લેયરોએ જીવનમાં ઉતારવા જેવો પ્રસંગ
સચિન તેન્ડુલકરને શનિવારે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા પ્રતિષ્ઠિત કર્નલ સી. કે. નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો
સચિન તેન્ડુલકરને શનિવારે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા પ્રતિષ્ઠિત કર્નલ સી. કે. નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. શનિવારે ICC ચૅરમૅન જય શાહે જ્યારે તેને આ અવૉર્ડ આપ્યો ત્યારે સમારોહમાં હાજર તમામ લોકોએ સ્ટૅન્ડિંગ ઓવેશન આપ્યું હતું.
આ અવૉર્ડ મેળવ્યા બાદ ૫૧ વર્ષના માસ્ટર બ્લાસ્ટરે યંગે પ્લેયર્સને સંબોધીને કહ્યું હતું કે ‘ક્રિકેટ મારા જીવનની સૌથી મોટી ભેટ છે. જો તમે બૅટ અને બૉલ પરની પકડ ગુમાવવાનું શરૂ કરો છો તો પછી તમે ધીમે-ધીમે તમારી કરીઅર પરની પકડ પણ ગુમાવવાનું શરૂ કરો છો. જ્યારે આપણી પાસે બધું હોય ત્યારે આપણે એનું મહત્ત્વ સમજવું જોઈએ અને રમતને આગળ વધારવા અને દેશનું નામ આગળ વધારવા માટે કામ કરો. હંમેશાં તમારી રમતને મહત્ત્વ આપો અને તમારી રમતનું ધ્યાન રાખો. મને છેલ્લા દિવસે સમજાયું કે હું વર્તમાન ભારતીય ક્રિકેટર તરીકે ક્યારેય મેદાન પર ચાલી શકીશ નહીં. એવી જ રીતે જ્યારે તમે નિવૃત્તિ લેશો ત્યારે તમને ખ્યાલ આવશે કે તમે થોડાં વર્ષો પહેલાં ક્યાં હતા. એથી તમારી રમતનો આનંદ માણો, કારણ કે વર્તમાન ભારતીય ક્રિકેટર તરીકે તમારામાં ઘણું ક્રિકેટ બાકી છે અને વિક્ષેપોથી દૂર રહો.’
ADVERTISEMENT
અવૉર્ડ મેળવ્યા પછી સચિને એક મહત્ત્વની વાત જણાવતાં કહ્યું હતું કે ‘મારા પપ્પા આલ્કોહોલ અને તમાકુનું પ્રમોશન કરવાની વિરુદ્ધ હતા એટલે મેં એ મૂલ્યો જાળવી રાખવાનું નક્કી કર્યું હતું. ૧૯૯૦ના મધ્ય ભાગમાં મારી પાસે બૅટ-સ્પૉન્સર નહોતો, કારણ કે મારે શરાબ કે તમાકુનું પ્રમોશન નહોતું કરવું. એટલે હું બે વર્ષ બૅટ-સ્પૉન્સર વગર રમ્યો હતો. એ સમયે દારૂ અને તમાકુ કંપનીઓ ખૂબ પ્રમોશન કરી રહી હતી અને જાહેરાત માટે બૅટનો ઉપયોગ કરી રહી હતી. જ્યારે મૂલ્યોની વાત આવે છે ત્યારે મને લાગે છે કે ફૅમિલી મારી કરીઅરમાં સૌથી મહત્ત્વપૂર્ણ પરિબળ રહી છે અને મારા માટે કરોડરજ્જુ અને મારી શક્તિ રહી છે.’
૧૯૯૯ના વન-ડે વર્લ્ડ કપ દરમ્યાન પપ્પાના અવસાન બાદ સચિન તેના જીવનમાં બનતી દરેક સારી ઘટના સૌથી પહેલાં તેના પપ્પાને (આકાશ તરફ જોઈને) સમર્પિત કરે છે, તેણે આ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ક્રિકેટ બોર્ડના અવૉર્ડ્સ ફંક્શનમાં જસપ્રીત બુમરાહ અને સ્મૃતિ માન્ધના છવાયાં
સમારોહ બાદ તમામ ક્રિકેટર્સે અવૉર્ડ સાથે પડાવ્યો આ આઇકૉનિક ફોટો.
ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા શનિવારે મુંબઈમાં એક ફાઇવસ્ટાર હોટેલમાં આયોજિત વાર્ષિક અવૉર્ડ્સ ફંક્શનમાં જસપ્રીત બુમરાહ અને સ્મૃતિ માન્ધના છવાઈ ગયાં હતાં. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં શાનદાર પર્ફોર્મન્સ બદલ પુરુષોમાં જસપ્રીત બુમરાહને અને મહિલાઓમાં સ્મૃતિ માન્ધનાને પોલી ઉમરીગર બેસ્ટ ઇન્ટરનૅશનલ ક્રિકેટરથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. સચિન તેન્ડુલકરને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ જય શાહના હસ્તે કર્નલ સી. કે. નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગયા વર્ષે T20 વર્લ્ડ કપ જીતનાર ખેલાડીઓને તેમના નામની સ્પેશ્યલ વીંટીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દિલ્હી વતી રણજી રમી રહેલો વિરાટ કોહલી ઉપરાંત રવીન્દ્ર જાડેજા, શિવમ દુબે અને મોહમ્મદ સિરાજ કાર્યક્રમમાં હાજર નહોતા રહી શક્યા.
અન્ય મુખ્ય અવૉર્ડ્સ
સ્પેશ્યલ અવૉર્ડ : રવિચન્દ્રન અશ્વિન
બેસ્ટ ઇન્ટરનૅશનલ ડેબ્યુ (પુરુષ) : સરફરાઝ ખાન
બેસ્ટ ઇન્ટરનૅશનલ ડેબ્યુ (મહિલા): આશા શોભના
વન-ડેમાં સૌથી વધુ રન (મહિલા) : સ્મૃતિ માન્ધના
વન-ડેમાં સૌથી વધુ વિકેટ (મહિલા) : દીપ્તિ શર્મા
બેસ્ટ મહિલા ખેલાડી (સિનિયર ડોમેસ્ટિક) : પ્રિયા મિશ્રા
રણજીમાં સૌથી વધુ રન (પ્લેટ ગ્રુપ) : અગ્નિ ચોપડા
રણજીમાં સૌથી વધુ રન (એલીટ ગ્રુપ) : રિકી ભુઈ
બેસ્ટ ઑલરાઉન્ડર (ડોમેસ્ટિક લિમિટેડ ઓવર) : શશાંક સિંહ
બેસ્ટ ઑલરાઉન્ડર (ડોમેસ્ટિક રણજી ટ્રોફી) : તનુજ કોટિયન
ડોમેસ્ટિક ટુનામેન્ટમાં બેસ્ટ પર્ફોર્મન્સ : મુંબઈ ટીમ

