૬૨૬ રને પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરીને સાઉથ આફ્રિકાએ ઝિમ્બાબ્વેને ૧૭૦ રને ઑલઆઉટ કરી ફૉલોઓન આપ્યું, બીજી ઇનિંગ્સમાં યજમાન ટીમ એક વિકેટે ૫૧ રન કરતાં મૅચમાં હજી ૪૦૫ રન પાછળ
વિઆન મલ્ડરે ૩૩૪ બૉલમાં ૪૯ ફોર અને ૪ સિક્સર સાથે આક્રમક ૩૬૭ રન ફટકાર્યા હતા. તેણે ૫૩ બાઉન્ડરીથી ૨૨૦ રન બનાવ્યા.
બે મૅચની સિરીઝમાં ૧-૦ની લીડ મેળવનાર સાઉથ આફ્રિકન ટીમે બીજી ટેસ્ટ-મૅચના બીજા દિવસે પણ યજમાન ઝિમ્બાબ્વે પર દબદબો જાળવી રાખ્યો હતો. નવા કૅપ્ટન વિઆન મલ્ડરને ઐતિહાસિક ઇનિંગ્સની મદદથી ૧૧૪ ઓવરમાં ૬૨૬-૫ના સ્કોર પર પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. યજમાન ટીમ પહેલી ઇનિંગ્સમાં ૪૩ ઓવરમાં ૧૭૦ રને ઑલઆઉટ થતાં એને ફૉલોઑન મળ્યું હતું. બીજા દિવસના અંતે ઝિમ્બાબ્વેએ ૧૬ ઓવરમાં એક વિકેટ ગુમાવીને ૫૧ રન કર્યા હતા. સાઉથ આફ્રિકા પાસે હજી ૪૦૫ રનની વિશાળ લીડ બચી છે.
બીજા દિવસની રમતમાં સાઉથ આફ્રિકાએ ૮૯મી ઓવરમાં ૪૬૫-૪ના સ્કોરથી ઇનિંગ્સ આગળ વધારી હતી. ૨૬૪ રને રમી રહેલા કૅપ્ટન વિઆન મલ્ડરે પોતાની ઇનિંગ્સ આગળ વધારીને ૩૩૪ બૉલમાં ૩૬૭ રન ફટકાર્યા હતા. ૪૯ ફોર અને ૪ સિક્સ ફટકારીને અણનમ ઇનિંગ્સ રમનાર મલ્ડરે બ્રાયન લારા (૪૦૦* અને ૩૭૫ રન), મૅથ્યુ હેડન (૩૮૦ રન) અને મહેલા જયવર્દને (૩૭૪ રન) જેવી એક ઇનિંગ્સનો હાઇએસ્ટ સ્કોર તોડવાની તક જતી કરી હતી.
ADVERTISEMENT
મીડિયમ ફાસ્ટ બોલર મલ્ડરે પહેલી ઇનિંગ્સમાં ૬ ઓવરમાં ૨૦ રન આપી બે વિકેટ લઈને બોલિંગ યુનિટ સાથે તરખાટ મચાવ્યો હતો. ઝિમ્બાબ્વે તરફથી પહેલી ઇનિંગ્સમાં અનુભવી બૅટર સીન વિલિયમ્સે (પંચાવન બૉલમાં ૮૩ રન અણનમ) જ મોટી ઇનિંગ્સ રમી હતી.
મલ્ડરે કયા-કયા રેકૉર્ડ તોડ્યા?
૩૬૭ રન એ સાઉથ આફ્રિકા માટે સૌથી મોટી અને ઓવરઑલ પાંચમી સૌથી મોટી ટેસ્ટ-ઇનિંગ્સ છે.
સાઉથ આફ્રિકા માટે એક ટેસ્ટ-ઇનિંગ્સ અને એક ટેસ્ટ-મૅચમાં હાઇએસ્ટ સ્કોર કરવાનો અનુક્રમે હાસિમ આમ્લા (૩૧૧ રન) અને ગ્રીમ સ્મિથ (૩૬૨ રન)નો રેકૉર્ડ તોડ્યો.
ઝિમ્બાબ્વેની ધરતી પર આ પહેલી ટેસ્ટ ત્રિપલ સેન્ચુરી છે, તેણે શ્રીલંકાના કુમાર સંગકારાનો ૨૦૦૪નો ૨૭૦ રનનો હાઇએસ્ટ ઇનિંગ્સનો રેકૉર્ડ તોડ્યો.
૩૨૪ બૉલમાં તેણે ફાસ્ટેસ્ટ ૩૫૦ ટેસ્ટ-રનની ઇનિંગ્સ રમી. ઑસ્ટ્રેલિયાના મૅથ્યુ હેડને ૨૦૦૩માં ઝિમ્બાબ્વે સામે કરેલા ૪૦૨ બૉલના રેકૉર્ડને પછાડ્યો.
અવે ટેસ્ટ-મૅચ એટલે કે દેશની બહાર સૌથી મોટી ટેસ્ટ-ઇનિંગ્સ રમનાર પ્લેયર બન્યો મલ્ડર. પાકિસ્તાનના હનીફ મોહમ્મદનો ૧૯૫૮નો વેસ્ટ ઇન્ડીઝમાં કરેલો ૩૩૭ રનનો રેકૉર્ડ તોડ્યો.
૨૭ વર્ષ ૧૩૮ દિવસની ઉંમરે ત્રિપલ સેન્ચુરી કરનાર યંગેસ્ટ કૅપ્ટન બન્યો.

