બીજી ટેસ્ટ-મૅચના પહેલા દિવસે સાઉથ આફ્રિકાએ ચાર વિકેટ ગુમાવી ૪૬૫ રન કર્યા
૨૧૪ બૉલમાં સાઉથ આફ્રિકા તરફથી ટેસ્ટમાં બીજી ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી ફટકારી હતી વિઆન મલ્ડરે.
ઝિમ્બાબ્વે સામેની બે મૅચની ટેસ્ટ-સિરીઝમાં સાઉથ આફ્રિકા ૧-૦થી આગળ છે. ગઈ કાલે બીજી ટેસ્ટ-મૅચના પહેલા દિવસે ૮૮ ઓવરમાં ચાર વિકેટે ૪૬૫ રન ફટકારીને મહેમાન ટીમે ધમાકેદાર શરૂઆત કરી હતી. રેગ્યુલર કૅપ્ટન ટેમ્બા બવુમા અને ઇન્ચાર્જ કૅપ્ટન કેશવ મહારાજની ઇન્જરીને કારણે વિઆન મલ્ડરને પહેલી વાર ટેસ્ટ-કૅપ્ટન્સી મળી હતી.
ડેવિડ બેડિંગહૅમ (૧૦૧ બૉલમાં ૮૨ રન) અને લુઆન-ડ્રે પ્રિટોરિયસ (૮૭ બૉલમાં ૭૮ રન) બાદ કૅપ્ટન વિઆન મલ્ડરે ઐતિહાસિક ઇનિંગ્સ રમી હતી. મલ્ડર ૨૫૯ બૉલમાં ૨૬૪ રનની ઇનિંગ્સ સાથે હજી પણ અણનમ છે. ૩૪ ફોર અને ૩ સિક્સ ફટકારનાર વિઆન મલ્ડર ટેસ્ટ ઇતિહાસમાં ડેબ્યુ કૅપ્ટન તરીકે પહેલી જ ઇનિંગ્સમાં ૨૫૦ પ્લસ રનની ઇનિંગ્સ રમનાર પહેલો પ્લેયર બન્યો હતો. તેણે ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન ગ્રેહામ ડોવલિંગનો ૧૯૬૮નો ભારત સામેનો હાઇએસ્ટ ૨૩૯ રનનો રેકૉર્ડ તોડ્યો હતો.
ADVERTISEMENT
૭૦ વર્ષ બાદ કોઈ સાઉથ આફ્રિકન કૅપ્ટને પહેલી મૅચમાં ૧૦૦ પ્લસ રનની ઇનિંગ્સ રમી હતી. આ ટીમ માટે ઓવરઑલ હવે ત્રણ કૅપ્ટને ડેબ્યુ પર ૧૦૦ પ્લસ રનની ઇનિંગ્સ રમી છે, પણ આ પ્રસંગે ૨૦૦ પ્લસ રન કરનાર તે સાઉથ આફ્રિકાનો પહેલો કૅપ્ટન બન્યો છે.

