૧૧૧ રનથી ઑસ્ટ્રેલિયાને હરાવવામાં માર્કરમની અણનમ સદીનું મોટું યોગદાન : સિરીઝ જીવંત રાખી

માર્કરમ
સાઉથ આફ્રિકાએ મંગળવારે પૉશેફ્સ્ટ્રુમમાં ઑસ્ટ્રેલિયાને ૧૧૧ રનના તફાવતથી હરાવ્યું હતું અને સિરીઝને જીવંત રાખી હતી. ક્રિકેટમાં ૧૧૧ નેલ્સન તરીકે ઓળખાય છે. ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ અમ્પાયર સદ્ગત ડેવિડ શેફર્ડ ૧૧૧ નંબરને અનલકી ગણતા હતા. તેમના અમ્પાયરિંગ દરમ્યાન જ્યારે પણ તેઓ સ્કોરબોર્ડ પર ૧૧૧ નંબર જોતા ત્યારે જમણો પગ થોડો ઊંચો કરીને આ ‘નેલ્સન’ નંબરનો સંકેત આપતા હતા.
મંગળવારની મૅચમાં સાઉથ આફ્રિકાએ એઇડન માર્કરમ (૧૦૨ અણનમ, ૭૪ બૉલ, ૪ સિક્સર, ૯ ફોર), ક્વિન્ટન ડિકૉક (૮૨ રન, ૭૭ બૉલ, બે સિક્સર, દસ ફોર) અને કૅપ્ટન ટેમ્બા બવુમા (૫૭ રન, ૬૨ બૉલ, ૬ ફોર)ની ઇનિંગ્સની મદદથી ૬ વિકેટે ૩૩૮ રન બનાવ્યા બાદ ઑસ્ટ્રેલિયાની ટીમ માત્ર ૨૨૭ રને ઑલઆઉટ થઈ ગઈ હતી. ડેવિડ વૉર્નર (૭૮ રન, ૫૬ બૉલ, ત્રણ સિક્સર, દસ ફોર)ની ઇનિંગ્સ એળે ગઈ હતી.
સાઉથ આફ્રિકાના બાવીસ વર્ષના ફાસ્ટ બોલર જેરાલ્ડ કૉએટ્ઝીએ ચાર તેમ જ તબ્રેઝ શમ્સી અને કેશવ મહારાજે બે-બે વિકેટ લીધી હતી. માર્કરમને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.