રોહિત શર્માએ ટેસ્ટ-ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધું એ તેના પપ્પાને નથી ગમ્યું.
રોહિત શર્મા, તેના પિતા અને ચેતેશ્વર પુજારા
આજથી બરાબર એક મહિના પહેલાં સાત મેએ રોહિત શર્માએ ટેસ્ટ-ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લેવાની જાહેરાત કરી હતી. તેણે હાલમાં ખુલાસો કર્યો કે તેના આ નિર્ણયથી તેના પપ્પા ગુરુનાથ શર્મા નિરાશ થયા હતા. રોહિતે કહ્યું હતું કે ‘મારા પપ્પા એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતા હતા. તેમણે અમારા જીવન માટે ઘણું બલિદાન આપ્યું છે. તેઓ હંમેશાં ટેસ્ટ-ક્રિકેટના ફૅન રહ્યા છે. તેમને આ નવા યુગનું ક્રિકેટ (વન-ડે અને T20) પસંદ નથી. મને હજી પણ એ દિવસ યાદ છે જ્યારે મેં વન-ડેમાં ૨૬૪ રન (શ્રીલંકા સામે વર્ષ ૨૦૧૪માં) બનાવ્યા હતા. ત્યારે તેમણે કહ્યું કે ઠીક છે, સારું રમ્યો, શાબાશ. તેમનામાં કોઈ ઉત્સાહ નહોતો. ટેસ્ટ-રિટાયરમેન્ટના મારા નિર્ણયથી તેઓ થોડા નિરાશ થયા હતા.’
ચેતેશ્વર પુજારાને કારણે બદલાઈ જતો હિટમૅનના ચહેરાનો રંગ
ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાની પત્નીની બુક ‘ધ ડાયરી ઑફ અ ક્રિકેટર્સ વાઇફ’ના લૉન્ચિંગ દરમ્યાન રોહિત શર્માએ ખુલાસો કર્યો કે ડોમેસ્ટિક ક્રિકેટમાં ચેતેશ્વર પુજારાની ટીમ સામે રમ્યા બાદ ચહેરાનો રંગ બદલાઈ જતો. ઘરે મમ્મી પૂછે ત્યારે રોહિત કહેતો કે ‘ચેતેશ્વર પુજારા નામનો એક બૅટ્સમૅન છે. તે ત્રણ દિવસથી બૅટિંગ કરે છે અને અમારે બે-ત્રણ દિવસ તડકામાં ફીલ્ડિંગ કરવી પડે છે. અમારી ટીમ-મીટિંગ ફક્ત તેને કેવી રીતે આઉટ કરવો એના પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી.’

