એશિયન ગેમ્સમાં ટી૨૦ ટુર્નામેન્ટ જ રમાવાની છે.
દિનેશ કાર્તિક અને રવિચન્દ્રન અશ્વિન
ચીનમાં આગામી ૨૩ સપ્ટેમ્બરથી ૮ ઑક્ટોબર સુધી એશિયન ગેમ્સ રમાશે અને એ જ અરસામાં ક્રિકેટનો એશિયા કપ (૩૧ ઑગસ્ટ-૧૭ સપ્ટેમ્બર) તેમ જ વન-ડે વર્લ્ડ કપ (૫ ઑક્ટોબર-૧૯ નવેમ્બર) શરૂ થવાનો હોવાથી ભારતીય ક્રિકેટ બોર્ડ એશિયન ગેમ્સ માટે ‘બી’ ટીમ મોકલવાનું વિચારે છે. એશિયન ગેમ્સમાં ટી૨૦ ટુર્નામેન્ટ જ રમાવાની છે. આ સંબંધે વિકેટકીપર-બૅટર દિનેશ કાર્તિકે શનિવારે એક ઇવેન્ટમાં કહ્યું હતું કે ‘રવિચન્દ્રન અશ્વિન ક્રિકેટના ગ્રેટેસ્ટ ખેલાડીઓમાંનો એક છે એમાં કોઈ શક નથી. મારું માનવું છે કે ભારત જો ‘બી’ ટીમને ચીનની એશિયન ગેમ્સમાં મોકલવાનું હોય તો એ ટીમનો કૅપ્ટન અશ્વિનને બનાવવો જોઈએ.’
એશિયન ગેમ્સમાં ક્રિકેટની સ્પર્ધા છેલ્લે ૨૦૧૪માં રમાઈ હતી. જોકે ૯ વર્ષ પહેલાંની એ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતે ભાગ નહોતો લીધો.
થોડા દિવસથી એવું સંભળાય છે કે ભારત જો ‘બી’ ટીમ મોકલશે તો એનું સુકાન શિખર ધવનને સોંપવામાં આવશે.


