બીસીસીઆઇ એક કરોડ રૂપિયાના પગારમાં હવે વધારો કરશે? : વૉટ્સને પણ દિલ્હીની ટીમને છોડી
ફાઇલ તસવીર
ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર અજિત આગરકર ભારતીય ક્રિકેટ ટીમનો નવો ચીફ સિલેક્ટર બનવા માટે બોલાતાં નામોમાં અગ્રેસર છે. તેણે ગઈ કાલે દિલ્હી કૅપિટલ્સના અસિસ્ટન્ટ કોચનો હોદ્દો છોડી દીધો હતો. હવે જ્યારે આગરકરનું નામ સિલેક્શન કમિટીના અધ્યક્ષપદ માટે બોલાઈ રહ્યું છે ત્યારે બીસીસીઆઇ આ હોદ્દા માટેના એક કરોડ રૂપિયાના વાર્ષિક પગારમાં ખાસ્સોએવો વધારો કરશે એવું મનાય છે. સિલેક્શન કમિટીના બાકીના મેમ્બર્સમાં દરેકને વર્ષે ૯૦ લાખ રૂપિયા આપવામાં આવે છે.
આગરકરનું નામ ચીફ સિલેક્ટર બનવા માટે બોલાતાં નામોમાં અગ્રેસર છે એવું બુધવારે પી.ટી.આઇ.એ અહેવાલમાં જણાવ્યું અને ગઈ કાલે દિલ્હી કૅપિટલ્સમાંનો હોદ્દો તેણે છોડ્યાના સમાચાર આવતાં એ સ્પષ્ટ છે કે તે વેસ્ટ ઇન્ડીઝ માટેની ટી૨૦ ટીમ નક્કી કરવાનો સમય આવશે ત્યારે તે હૉટ સીટ પર જોવા મળશે.
ADVERTISEMENT
દરમ્યાન શેન વૉટ્સને પણ આગરકરની સાથે દિલ્હી કૅપિટલ્સ ટીમના સપોર્ટ સ્ટાફના મેમ્બરપદેથી રાજીનામું આપી દીધું છે.


