ન્યુ ઝીલૅન્ડ પહેલી ટેસ્ટમાં ૨૮૧ રનથી સાઉથ આફ્રિકા સામે શાનદાર જીત મેળવી ડબ્લ્યુટીસી પૉઇન્ટ ટેબલમાં પહેલા સ્થાને પહોંચી ગયું
રચીન રવીન્દ્ર
મુંબઈ : ન્યુ ઝીલૅન્ડે પહેલી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને ૨૮૧ રનથી માત આપી છે. ન્યુ ઝીલૅન્ડ આ જીત સાથે બે ટેસ્ટ મૅચની સિરીઝમાં ૧-૦થી આગળ પહોંચી ગઈ છે. માઉન્ટ માઉંગાનુઈમાં રમાયેલી આ મૅચમાં જીત મેળવ્યા બાદ કિવીને બંપર ફાયદો થયો છે. ડબ્લ્યુટીસી પૉઇન્ટ ટેબલમાં ન્યુ ઝીલૅન્ડની ટીમ પહેલા સ્થાને પહોંચી ગઈ છે. કિવીની આ જીત થતાં ભારતીય ટીમ અને ઑસ્ટ્રેલિયાની ટીમને મોટો ફટકો પડ્યો છે.
કિવીનું પૉઇન્ટ ટેબલમાં પહેલું સ્થાન
બુધવારે ન્યુ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચેની પહેલી ટેસ્ટમાં કિવીએ ૨૮૧ રનથી શાનદાર જીત મેળવી હતી. આ મૅચમાં પહેલાં બેટિંગ કરતાં ન્યુ ઝીલૅન્ડ ટીમે ૫૧૧ રનનો જંગી જુમલો ખડો કર્યો હતો, જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ પહેલી ઇનિંગ્સમાં ૧૬૨ રન જ કરી શકી હતી અને ઑલઆઉટ થઈ ગઈ હોવાથી કિવી ટીમને ૩૪૯ રનની જંગી લીડ મળી હતી. જવાબમાં કિવી ટીમે બીજી ઇનિંગ્સ ૪ વિકેટના ભોગે ૧૭૯ રન પર ડિક્લેર કરી હતી અને સાઉથ આફ્રિકાને જીતવા માટે ૫૨૯ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ત્યાર બાદ સાઉથ આફ્રિકા બીજી ઇનિંગ્સમાં ૨૪૭ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ જતાં કિવીએ મોટી જીત મેળવી હતી.
ADVERTISEMENT
ભારત-ઑસ્ટ્રેલિયાને નુકસાન
આ જીત સાથે ન્યુ ઝીલૅન્ડની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ૨૦૨૩-૨૫ના પૉઇન્ટ ટેબલમાં ૨૪ પૉઇન્ટ સાથે મોટી છલાંગ લગાવી હતી અને પહેલા સ્થાને પહોંચી ગયું હતું. ન્યુ ઝીલૅન્ડની ટીમના પૉઇન્ટ્સની ટકાવારી ૬૬.૬૬ની રહી છે, જ્યારે ઑસ્ટ્રેલિયાની ટીમ ૧૦ મૅચમાં ૬ મૅચમાં જીત સાથે ૫૫ પૉઇન્ટની ટકાવારી રહી છે, જે બીજા સ્થાને સરકી ગઈ છે. તો બીજી તરફ ભારતની ટીમને મોટું નુકસાન થતાં ત્રીજા સ્થાને સરકી ગઈ છે. ભારતીય ટીમ ૬ મૅચમાં ૩ જીત સાથે ૩૮ પૉઇન્ટ ધરાવે છે. ટીમ ઇન્ડિયાના પૉઇન્ટ્સની ટકાવારી ૫૨.૭૭ છે. આ પહેલાં ભારતે બીજી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડને ૧૦૬ રને હરાવતાં ડબ્લ્યુટીસી પૉઇન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચ્યું હતું.