પાંચમા દિવસે રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચવા મુંબઈને ૩૨૩ રનની અને વિદર્ભને ૭ વિકેટની જરૂર છે. ગઈ સીઝનની આ બન્ને ફાઇનલિસ્ટ ટીમ પાસે સતત બીજી વાર ફાઇનલમાં પહોંચવાની તક રહેશે.
વિદર્ભના યશ રાઠોડે ૨૫૨ બૉલમાં ૧૧ ચોગ્ગાની મદદથી ૧૫૧ રન ફટકાર્યા હતા.
નાગપુરમાં રણજી ટ્રોફી ૨૦૨૪-’૨૫ની સેમી-ફાઇનલ મૅચનો આજે ફાઇનલ દિવસ છે. પહેલી ઇનિંગ્સમાં ૩૮૩ રન ફટકારનાર વિદર્ભે બીજી ઇનિંગ્સમાં ૨૯૨ રનનો સ્કોર કરીને ૪૨ વખતની રણજી ચૅમ્પિયન મુંબઈને ૪૦૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૨૭૦ રન કરનાર મુંબઈએ ચોથા દિવસને અંતે ૩ વિકેટ ગુમાવીને ૮૩ રન કર્યા હતા. આજે પાંચમા દિવસે રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચવા મુંબઈને ૩૨૩ રનની અને વિદર્ભને ૭ વિકેટની જરૂર છે. ગઈ સીઝનની આ બન્ને ફાઇનલિસ્ટ ટીમ પાસે સતત બીજી વાર ફાઇનલમાં પહોંચવાની તક રહેશે.
વિદર્ભની ટીમે ૧૪૭/૪ના સ્કોરથી ચોથા દિવસે શરૂઆત કરી હતી. મિડલ ઑર્ડર બૅટર યશ રાઠોડે ૨૫૨ બૉલમાં ૧૧ ચોગ્ગાની મદદથી ૧૫૧ રનની ઇનિંગ્સ રમીને સ્કોર ૨૯૨ રન સુધી પહોંચાડ્યો હતો. કૅપ્ટન અક્ષય વાડકરે પણ ૨૦૨ બૉલમાં બાવન રનની ઇનિંગ્સ રમીને મુંબઈના બોલર્સને હેરાન કર્યા હતા. મુંબઈ તરફથી બીજી ઇનિંગ્સમાં ઑલરાઉન્ડર શમ્સ મુલાની (૬ વિકેટ) અને તનુષ કોટિયન (૩ વિકેટ)એ વિદર્ભને ૩૦૦ રનને પાર જતા રોક્યા હતા.
ADVERTISEMENT
૪૦૬ રનના ટાર્ગેટનો પીછો કરતાં મુંબઈએ ૨૪.૪ ઓવરમાં ૬૫ રનના સ્કોર પર કૅપ્ટન અજિંક્ય રહાણે (૧૨ રન) સહિત ૩ ટૉપ ઑર્ડર બૅટર્સની વિકેટ ગુમાવી હતી. મુંબઈની પહેલી ઇનિંગ્સમાં ૧૦૬ રન બનાવનાર આકાશ આનંદ રમતના અંતે ૯૨ બૉલમાં એક ચોગ્ગાની મદદથી ૨૭ રન બનાવીને બૅટિંગ કરી રહ્યો છે. તે ઑલરાઉન્ડર શિવમ દુબે (૨૪ બૉલમાં ૧૨ રન) સાથે આજે મુંબઈની ૮૩ રનની બીજી ઇનિંગ્સને આગળ વધારશે.


