‘ડૂ ઑર ડાઇ’ મુકાબલામાં પહેલા દિવસે મહારાષ્ટ્રના ૬ વિકેટે ૩૧૪
બ્રેબર્નમાં કેદાર જાધવ તસવીર આશિષ રાજે
રણજી ટ્રોફીની ૨૦૨૨-’૨૩ની સીઝનમાં ગઈ કાલે છેલ્લો લીગ રાઉન્ડ શરૂ થયો હતો, જેમાં ચાર-દિવસીય મૅચના પ્રારંભિક દિવસે બ્રેબર્ન સ્ટેડિયમમાં મહારાષ્ટ્રએ મુંબઈ સામે બૅટિંગ મળ્યા પછી ૬ વિકેટે ૩૧૪ રન બનાવ્યા હતા. માત્ર ૨૩ રનમાં ઓપનર પવન શાહ અને વનડાઉન બૅટર નૌશાદ શેખની વિકેટ પડી જતાં મહારાષ્ટ્રની ટીમ થોડી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી, પરંતુ ૩૭ વર્ષના પીઢ ખેલાડી કેદાર જાધવે (૧૨૮ રન, ૧૬૮ બૉલ, એક સિક્સર, ૧૮ ફોર) ટીમને સંભવિત મુસીબતમાંથી ઉગારી લીધી હતી. તેની અને સિદ્ધેશ વીર (૧૧૩ બૉલમાં ૪૮ રન) સાથે કેદારની ૧૦૫ રનની, કૅપ્ટન અંકિત બાવણે (૮ બૉલમાં ૧ રન) સાથે ૮૬ રનની ભાગીદારી થઈ હતી. વિકેટકીપર સૌરભ નવાલે ૫૬ રને અને આશય પાલકર ૩૨ રને રમી રહ્યા હતા.
અજિંક્ય રહાણેના સુકાનમાં રમતી મુંબઈની ટીમના ૬ બોલર્સે બોલિંગ કરી હતી જેમાં તુષાર દેશપાંડે, મોહિત અવસ્થી અને શમ્સ મુલાનીને બે-બે વિકેટ મળી હતી. ગ્રુપ ‘બી’માંથી સૌરાષ્ટ્રની ટીમ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે, પરંતુ મુંબઈ અને મહારાષ્ટ્ર બેમાંથી એક ટીમ જ ક્વૉર્ટરમાં જશે.
ADVERTISEMENT
જાડેજાને પહેલા દિવસે વિકેટ ન મળી : બરોડાના બે બૅટર્સની સદી
રણજી ટ્રોફીની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયેલા સૌરાષ્ટ્ર સામે તામિલનાડુએ ચેન્નઈમાં ચાર-દિવસીય રણજી મુકાબલામાં ગઈ કાલે પહેલા દિવસે ધીમી બૅટિંગમાં ચાર વિકેટના ભોગે માત્ર ૧૮૩ રન બનાવ્યા હતા જેમાં ત્રણ બૅટર્સના ૪૫-૪૫ રન હતા, પરંતુ હાફ સેન્ચુરી એકેયની નહોતી થઈ. બાબા ઇન્દ્રજિત ૪૫ રને રમી રહ્યો હતો, પરંતુ સાઈ સુદર્શન ૪૫ રને અને બાબા અપરાજિત ૪૫ રને વિકેટ ગુમાવી બેઠા હતા. ઘૂંટણની સર્જરી બાદ પાંચ મહિને ફરી રમવા આવેલા સૌરાષ્ટ્રના કૅપ્ટન રવીન્દ્ર જાડેજા (૧૭-૨-૩૬-૦)ને કમબૅકના પહેલા દિવસે વિકેટ નહોતી મળી. જોકે તેણે તામિલનાડુના બૅટર્સને અંકુશમાં રાખ્યા હતા. પેસ બોલર ચિરાગ જાનીએ બે તથા યુવરાજસિંહ ડોડિયા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ એક-એક વિકેટ લીધી હતી. ચેતન સાકરિયા અને પ્રેરક માંકડને પણ વિકેટ નહોતી મળી.
અમદાવાદમાં ગુજરાત સામે રેલવેએ પ્રથમ સિંહના ૯૬ રનની મદદથી પાંચ વિકેટે ૩૭૨ રન બનાવ્યા હતા. ચિંતન ગજાએ ત્રણ વિકેટ લીધી હતી. વડોદરામાં નાગાલૅન્ડ સામે બરોડાએ કૅપ્ટન વિષ્ણુ સોલંકી (૧૬૧ નૉટઆઉટ) અને નિનાદ રાઠવા (૧૪૩)ની સદીની મદદથી પાંચ વિકેટે ૪૨૦ રનનો તોતિંગ સ્કોર નોંધાવ્યો હતો.

