બરોડા સામે બીજી ઇનિંગ્સમાં ૯ વિકેટે ૩૭૯ રન બનાવી લીધી ૪૧૫ રનની લીડ
બીજી ઇનિંગ્સમાં હાર્દિક તોમર બરોડા સામે ૫૭ રનની મહત્ત્વની ઈનિંગ્સ રમ્યો હતો. અતુલ કાંબલે
રણજી ટ્રોફીની વર્તમાન સીઝનમાં ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડ ચાલી રહ્યો છે. હાઇએસ્ટ ૪૧ વખતનું ચૅમ્પિયન મુંબઈએ ઑલમોસ્ટ સેમી ફાઇનલમાં સ્થાન પાક્કું કરી લીધું છે. મુંબઈએ ગઈ કાલે બીજી ઇનિંગ્સમા ઓપનર હાર્દિક તામોર (૧૧૪)ની સેન્ચુરી તથા પૃથ્વી શૉ (૮૭) અને શેમ્સ મુલાની (૫૪)ની હાફ-સેન્ચુરીની મદદથી ૯ વિકેટે ૩૭૯ રન બનાવીને કુલ ૪૧૫ રનની લીડ લઈ લીધી છે. મુંબઈની હજી એક વિકેટ બાકી છે તથા આજે છેલ્લા દિવસે બરોડાએ ૪૦૦ પ્લસનો ટાર્ગેટ ચેઝ કરવાનું લગભગ અશક્ય હોવાથી મુંબઈ આજે જીત મેળવીને અથવા પ્રથમ ઇનિંગ્સની લીડના આધારે સેમી ફાઇનલમાં પ્રવેશ કરી શકે છે.
બીજી તરફ સૌરાષ્ટ્રને ૩૩ રનથી હરાવીને તામિલનાડુની ટીમે સાત વર્ષ બાદ રણજી ટ્રોફીની સેમી ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. જ્યારે આંધ્ર પ્રદેશને માત્ર ચાર રનથી હરાવીને મધ્ય પ્રદેશની ટીમે રણજી ટ્રોફી ૨૦૨૪ની સેમી ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. પ્રથમ ઇનિંગ્સમાં મધ્ય પ્રદેશે ૨૩૪ રન અને આંધ્ર પ્રદેશે ૧૭૨ રન કર્યા હતા. બીજી ઇનિંગ્સમાં ૧૦૭ રન ફટકારીને મધ્ય પ્રદેશની ટીમે આંધ્ર પ્રદેશને જીતવા માટે ૧૭૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો. એની સામે આંધ્ર પ્રદેશની ટીમ માત્ર ૧૬૫ રન કરીને ઑલઆઉટ થઈ ગઈ હતી. ૨૭ વર્ષનો અનુભવ અગ્રવાલ મૅન ઑફ ધ મૅચ જાહેર થયો હતો. તેણે પ્રથમ ઇનિંગ્સમાં ૩ અને બીજી ઇનિંગ્સમાં ૬ વિકેટ લીધી હતી. આ સાથે જ તેણે ૨૦ ફર્સ્ટ ક્લાસ મૅચમાં ૧૯.૫૦ના ઍવરેજથી ૫૫ વિકેટ પૂરી કરી છે. વિદર્ભ સામે ક્વાર્ટર ફાઇનલ મૅચ જીતવા કર્ણાટકને ૨૬૮ રનની જરૂર છે.