હાલમાં ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર મનોજ તિવારીએ રણજી ટ્રોફીને લઈને ચોંકાવનારી પોસ્ટ કરી હતી.
રણજી ટ્રોફી
પાંચમી જાન્યુઆરીથી શરૂ થયેલી રણજી ટ્રોફી ૨૦૨૪માં કુલ ૩૮ ટીમ વચ્ચે ટક્કર થઈ હતી, જેમાંથી ૮ ટીમ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. એલિટ અને પ્લેટ ગ્રુપના કુલ સાત રાઉન્ડની મૅચ બાદ ૧૯ ફેબ્રુઆરીએ લીગ સ્ટેજ સમાપ્ત થયો. વિદર્ભ, કર્ણાટક, મુંબઈ, વડોદરા, તામિલનાડુ, સૌરાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને આંધ્ર પ્રદેશ સહિતની ૮ ટીમ ૨૩થી ૨૭ ફેબ્રુઆરી વચ્ચે ક્વૉર્ટર ફાઇનલમાં ટકરાશે. બીજી માર્ચથી રણજી ટ્રોફીની સેમી ફાઇનલ રમાશે, જ્યારે ફાઇનલ મૅચ ૧૦ માર્ચથી શરૂ થશે. સૌરાષ્ટ્રની ટીમ ગ્રુપ-એમાં ૨૮ પૉઇન્ટ સાથે બીજા ક્રમે રહી છે. વડોદરાની ટીમ ૨૬ પૉઇન્ટ સાથે ગ્રુપ-ડીમાં બીજા સ્થાને રહી છે, જ્યારે ગુજરાતની ટીમ ગ્રુપ-સીમાં ૨૫ પૉઇન્ટ સાથે ત્રીજા સ્થાને રહેતાં ક્વૉર્ટર ફાઇનલ માટે ક્વૉલિફાય કરી શકી નહોતી.
રણજી ટ્રોફીની આલોચના બદલ મનોજ તિવારીએ ભરવો પડશે દંડ
હાલમાં ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર મનોજ તિવારીએ રણજી ટ્રોફીને લઈને ચોંકાવનારી પોસ્ટ કરી હતી. તેણે સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે આવતી સીઝનથી રણજી ટ્રોફીને કૅલેન્ડરમાંથી હટાવી દેવી જોઈએ. આ ટુર્નામેન્ટમાં ઘણી ખોટી બાબતો થઈ રહી છે. સમૃદ્ધ ઇતિહાસવાળી આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટને બચાવવા માટે ઘણી બાબતે ધ્યાન આપવાની જરૂર છે. એ પોતાનું આકર્ષણ અને મહત્ત્વ ગુમાવી રહી છે. હું ખૂબ નિરાશ છું. રણજી ટ્રોફીની ટીકા કરવા બદલ બીસીસીઆઇએ તેની ૨૦ ટકા મૅચ-ફી કાપી લીધી છે.
ADVERTISEMENT
મણિપુર અને ગોવા પ્લેટ ગ્રુપમાં પહોંચ્યાં
રણજી ટ્રોફી ૨૦૨૪ના પ્લેટ ગ્રુપમાં સામેલ ગોવા અને મણિપુરની ટીમો આ સીઝનમાં તેમના નિરાશાજનક પ્રદર્શનને કારણે એલિટમાંથી પ્લેટ ગ્રુપમાં સરકી ગઈ છે, જ્યારે આગામી સીઝન માટે પ્લેટ ગ્રુપની ફાઇનલમાં પહોંચેલી હૈદરાબાદ અને મેઘાલયની ટીમ એલિટ ગ્રુપમાં મણિપુર અને ગોવાની જગ્યા લેશે.
રણજી ટ્રોફી ૨૦૨૪ ક્વૉર્ટર ફાઇનલ શેડ્યુલ
ક્વૉર્ટર ફાઇનલ 1 - વિદર્ભ વિરુદ્ધ કર્ણાટક (નાગપુર)
ક્વૉર્ટર ફાઇનલ 2 - મધ્ય પ્રદેશ વિરુદ્ધ આંધ્ર પ્રદેશ (ઇન્દોર)
ક્વૉર્ટર ફાઇનલ 3 - મુંબઈ વિરુદ્ધ વડોદરા (મુંબઈ)
ક્વૉર્ટર ફાઇનલ 4 - તામિલનાડુ વિરુદ્ધ સૌરાષ્ટ્ર (કોઇમ્બતુર)