રજત પાટીદારને શુભમ શર્માના સ્થાને આ પદ મળ્યું છે
રજત પાટીદાર
૧૫ ઑક્ટોબરથી રણજી ટ્રોફીથી શરૂ થનારી ૨૦૨૫-’૨૬ની ડોમેસ્ટિક સીઝન પહેલાં રજત પાટીદારને તમામ ફૉર્મેટમાં મધ્ય પ્રદેશના કૅપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. રજત પાટીદારને શુભમ શર્માના સ્થાને આ પદ મળ્યું છે. એવું માનવામાં આવે છે કે મધ્ય પ્રદેશ ક્રિકેટ અસોસિએશન તેમની તાજેતરની સફળતા બાદ પાટીદારની ભૂમિકાને વિસ્તારવા માગતું હતું.
૩૨ વર્ષના પાટીદારને પહેલી વાર ગઈ સીઝનમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમ્યાન કૅપ્ટન તરીકે અજમાવવામાં આવ્યો હતો. જ્યારે તેણે આ વર્ષે IPLમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) અને દુલીપ ટ્રોફીમાં સેન્ટ્રલ ઝોનને ચૅમ્પિયન બનાવી ત્યારે કૅપ્ટન તરીકે તેની પ્રતિષ્ઠામાં વધારો થયો. ઈરાની કપમાં પણ તેને રેસ્ટ ઑફ ઇન્ડિયાની કમાન સોંપવામાં આવી હતી.


