કદાચ એશિયા કપ ન પણ રમાય ઃ ભારત ચાર દેશની નવી સ્પર્ધા યોજે એવી સંભાવના

નજમ સેઠી
સપ્ટેમ્બરમાં પોતાને ત્યાં રમાનારા મેન્સ એશિયા કપ માટે પાકિસ્તાને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ને જે હાઇબ્રીડ મૉડલ સૂચવ્યું હતું એને ભારતે ફગાવી દીધું ત્યાર પછી હવે શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બંગલાદેશે પણ અપનાવવાની ના પાડી દીધી એને પગલે પાકિસ્તાન કદાચ આ સ્પર્ધામાંથી ખસી જશે એવી ચર્ચા છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ હાઇબ્રીડ મૉડલમાં એવું સૂચવ્યું છે કે એશિયા કપની ૩-૪ મૅચ પાકિસ્તાનમાં રમાય અને ભારતની મૅચો તેમ જ સ્પર્ધાની બાકીની મૅચો કોઈ ન્યુટ્રલ સ્થળે રમાય.
જોકે ભારતનો આગ્રહ છે કે આખો એશિયા કપ શ્રીલંકા જેવા કોઈ તટસ્થ સ્થળે રમાય.
ચાર દેશો બીસીસીઆઇની તરફેણમાં
ભારતે અસલામતીના કારણસર પોતાની ટીમને પાકિસ્તાન મોકલવાની ચોખ્ખી ના પાડી દીધી એને પગલે પાકિસ્તાને હાઇબ્રીડ મૉડલ સૂચવ્યું હતું. જોકે શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બંગલાદેશે ભારતીય ક્રિકેટ બોર્ડને સપોર્ટ કર્યો છે એટલે પાકિસ્તાન સાવ એકલું પડી ગયું છે. પીસીબીના અધ્યક્ષ નજમ સેઠી દેશની ક્રિકેટ મૅનેજમેન્ટ કમિટીને તેમ જ સરકારી અધિકારીઓને મળીને એ મુદ્દા પર વિચાર કરશે કે જો પાકિસ્તાનને એશિયા કપની એક પણ મૅચ યોજવાની તક ન મળે તો એશિયા કપમાં રમવું કે એમાંથી નીકળી જવું?
એસીસીના આધારભૂત સૂત્રના જણાવ્યા મુજબ ‘પાકિસ્તાન પાસે હવે બે જ વિકલ્પ છે. બીસીસીઆઇ નક્કી કરે એ ન્યુટ્રલ સ્થળે આખી ટુર્નામેન્ટ રમવી અથવા સ્પર્ધામાંથી ખસી જવું.’
ભારતમાં વર્લ્ડ કપ પહેલાં વન-ડે સ્પર્ધા?
ઑક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં વન-ડેનો વર્લ્ડ કપ રમાવાનો છે. જો કોઈક કારણસર સપ્ટેમ્બરનો એશિયા કપ રદ કરાશે તો ભારતમાં કદાચ શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બંગલાદેશ સહિત ચાર-પાંચ દેશો વચ્ચેની નવી વન-ડે ટુર્નામેન્ટ યોજાશે. જોકે બ્રૉડકાસ્ટર્સ નવેસરથી કરાર કરશે, કારણ કે ભારત-પાકિસ્તાન મુકાબલો જેમાં ન થવાનો હોય એ ટુર્નામેન્ટ માટે તેઓ એશિયા કપ જેટલા પૈસા ન આપી શકે.