ઓપન વૉટર સ્વિમર ભક્તિ શર્માએ બનાવ્યો ઍન્ટાર્કટિક મહાસાગરમાં નવો વર્લ્ડ રેકૉર્ડ

ભારતની ઓપન વૉટર સ્વિમિંગ ચૅમ્પિયન ભક્તિ શર્માએ ઍન્ટાર્કટિક મહાસાગરમાં એક ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ૧.૪ માઇલનું અંતર બાવન મિનિટમાં કાપીને નવો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. ગઈ કાલે નવી દિલ્હીમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ ભક્તિ શર્માએ બ્રિટનની સ્વિમર લુઇસ પુગ અને અમેરિકન સ્વિમર લીન કૉક્સનો રેકૉર્ડ તોડી નાખ્યો છે. ભક્તિ શર્મા આ રેકૉર્ડ તોડનારી ૨૪ વર્ષની સૌથી યુવા અને એશિયાની પહેલી સ્વિમર બની છે. ભક્તિને ૨૦૧૦માં તેન્ઝિંગ નૉરગે રાષ્ટ્રીય સાહસિક અવૉર્ડ મળ્યો છે. તે છેલ્લાં ૧૦ વર્ષથી ઓપન વૉટરના રેકૉર્ડ બનાવી રહી છે. અત્યાર સુધી તે પાંચેય મહાસાગરોમાં તરીને આ જીત મેળવી ચૂકી છે.


