હૈદરાબાદે પંજાબ સામે બે રનથી મેળવેલી જીત એનો સૌથી ઓછા માર્જિનવાળો વિજય
પ્લેયર ઑફ ધ મૅચ બનેલો નીતીશ રેડ્ડી તેેનાં માતા-પિતા સાથે. પ્રથમ કમાણીથી નીતીશ રેડ્ડીએ પરિવાર માટે લીધી હતી પહેલી કાર.
મોહાલી પાસેના મુલ્લાંપુરમાં રમાયેલી પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની મૅચ ખૂબ જ રોમાંચક રહી હતી. હૈદરાબાદે ૨૦ વર્ષના નીતીશ કુમાર રેડ્ડીની ૬૪ રનની ઇનિંગ્સની મદદથી ૯ વિકેટ ગુમાવીને ૧૮૨ રન ફટકાર્યા હતા. ૧૮૩ રનના ટાર્ગેટનો પીછો કરતાં પંજાબ કિંગ્સને અંતિમ ઓવરમાં ૨૯ રનની જરૂર હતી. જયદેવ ઉનડકટની ઓવરમાં આશુતોષ શર્મા (૩૩ રન) અને શશાંક સિંહ (૪૬ રન) ભરપૂર પ્રયાસ છતાં ૨૭ રન જ બનાવી શક્યા, જેથી પંજાબને બે રનથી હારનો સામનો કરવો પડ્યો. આશુતોષ-શશાંકની ૬૬ રનની પાર્ટનરશિપ છતાં હાર થતાં પંજાબના ફૅન્સ નારાજ થયા હતા. આ મૅચમાં પંજાબે બે અને હૈદરાબાદે પાંચ કૅચ છોડ્યા હતા, જ્યારે હેન્રિક ક્લાસેને કૅપ્ટન શિખર ધવનનું કરેલું સુપર ફાસ્ટ સ્ટમ્પિંગ મૅચની મુખ્ય હાઇલાઇટ બની હતી.
૪ ચોગ્ગા અને પાંચ સિક્સરની મદદથી ૩૭ બૉલમાં ૬૪ રન બનાવનાર અને ૩૩ રન આપીને ૧ વિકેટ લેનાર ૨૦ વર્ષનો નીતીશ કુમાર રેડ્ડી પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. પ્રથમ IPL ફિફ્ટી ફટકારનાર નીતીશ કુમાર રેડ્ડી IPLની એક મૅચમાં પચાસ પ્લસ સ્કોર સાથે ૧ વિકેટ લેનાર સૌથી યુવા ખેલાડી (૨૦ વર્ષ ૩૧૯ દિવસ) બન્યો છે. તેણે આ મામલે હિટમૅન રોહિત શર્મા (૨૧ વર્ષ ૨૩ દિવસ)નો રેકૉર્ડ તોડ્યો હતો.
IPLમાં સૌથી વધારે મેઇડન ઓવર
| બોલર | મેઇડન |
| પ્રવીણ કુમાર ૧૪ | ૧૪ |
| ભુવનેશ્વર કુમાર ૧૩ | ૧૩ |
| ટ્રેન્ટ બોલ્ટ ૧૧ | ૧૧ |
| ઇરફાન પઠાણ ૧૦ | ૧૦ |
ADVERTISEMENT
નીતીશ કુમાર રેડ્ડીનો જન્મ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં થયો હતો. નીતીશને IPL 2023 પહેલાં હરાજીમાં સનરાઇઝર્સે તેની મૂળ કિંમત ૨૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ગઈ સીઝનમાં તે માત્ર બે મૅચ જ રમી શક્યો હતો. તેના પિતાએ તેની કારકિર્દી માટે તેમની નોકરી છોડી દીધી હતી. તેના પિતાનું માર્ગદર્શન અને મહેનતનું પરિણામ આજે નીતીશ રેડ્ડીના પ્રદર્શનમાં દેખાઈ રહ્યું છે. હનુમા વિહારીએ ટ્વીટ કરીને તેને ભારતીય ક્રિકેટનો ભાવિ સુપરસ્ટાર કહ્યો હતો. વિરાટ કોહલીને આદર્શ માનનાર નીતીશ રેડ્ડીએ પોતાની પ્રથમ કમાણીથી પરિવાર માટે પહેલી કાર ખરીદી હતી. ગયા વર્ષે બૅન્ગલોર સામે IPL ડેબ્યુ કરનાર નીતીશ રેડ્ડીએ વિરાટ કોહલી પાસે બૅટ પર ઑટોગ્રાફ પણ લીધો હતો.
IPLમાં સૌથી વધારે સ્ટમ્પિંગ આઉટ
| બૅટર | સ્ટમ્પિંગ |
| શિખર ધવન | ૮ |
| રૉબિન ઉથપ્પા | ૮ |
| સુરેશ રૈના | ૮ |
IPL મૅચમાં ૫૦+ સ્કોર અને ૧ વિકેટ લેનાર સૌથી યુવા ખેલાડી
| ઉંમર | ખેલાડી |
| ૨૦ વર્ષ ૩૧૯ દિવસ | નીતીશ રેડ્ડી |
| ૨૧ વર્ષ ૨૩ દિવસ | રોહિત શર્મા |
| ૨૨ વર્ષ ૧૫૪ દિવસ | સુરેશ રૈના |
| ૨૨ વર્ષ ૨૩૭ દિવસ | અભિષેક શર્મા |
| ૨૨ વર્ષ ૨૮૩ દિવસ | ઍન્જેલો મૅથ્યુઝ |
મૅચ દરમ્યાન બનેલા આ રેકૉર્ડ પણ જાણવા જેવા
ભુવનેશ્વર કુમારે ૧૩મી વખત IPLમાં મેઇડન ઓવર ફેંકી હતી. વધુ ૧ મેઇડન ઓવર ફેંકીને તે પ્રવીણ કુમારના ૧૪ મેઇડન ઓવર ફેંકવાના રેકૉર્ડની બરાબરી કરી લેશે.
હૈદરાબાદની બે રનથી આ સૌથી નાના અંતરની જીત હતી.


