ટીમનું સુકાન શિખર ધવન સંભાળશે

કેન વિલિયમસન
આવતી કાલે સવારે ૭.૦૦થી ભારત અને ન્યુ ઝીલૅન્ડની વન-ડે
ન્યુ ઝીલૅન્ડ સામે આવતી કાલે ત્રણ મૅચની વન-ડે સિરીઝ શરૂ થશે. ટીમનું સુકાન શિખર ધવન સંભાળશે. ૨૫, ૨૭ અને ૩૦ નવેમ્બરના ત્રણેય મુકાબલા સવારે ૭.૦૦ વાગ્યે શરૂ થશે. હાર્દિકને આરામ અપાયો છે. ટીમમાં દીપક હૂડા ઉપરાંત દીપક ચાહર અને કુલદીપ યાદવ ઉપરાંત કુલદીપ સેન પણ સામેલ છે.
ADVERTISEMENT
બીજો અપસેટ : જપાને જર્મનીને ૨-૧થી હરાવ્યું
ફિફા વર્લ્ડ કપમાં વધુ એક અપસેટ થયો છે. મંગળવારે સાઉદીએ આર્જેન્ટિનાને ૨-૧થી હરાવ્યા બાદ ગઈ કાલે ૨૪મા રૅન્કના જપાને પણ ચાર વખત ચૅમ્પિયન અને ચાર વાર રનર-અપ બનેલા ૧૧મા રૅન્કના જર્મનીને ૨-૧થી પછડાટ આપીને સૉકરજગતને ચોંકાવી દીધું હતું. જર્મની સતત બીજી વાર વર્લ્ડ કપમાં પોતાની પહેલી મૅચ હાર્યું છે. હાફ ટાઇમ વખતે જર્મની ૧-૦થી આગળ હતું, પણ સેકન્ડ હાફમાં ૮ મિનિટમાં જપાનના બે સબસ્ટિટ્યૂટ રિત્સુ ડોન અને તાકુમા અસાનોએ ગોલ કરીને વર્લ્ડ કપના ઇતિહાસમાં ક્યારેય પ્રી-ક્વૉર્ટરથી આગળ ન વધેલા જપાનને રોમાંચક જીત અપાવી હતી.
કીર્તિ ભરાડિયા આજે મુંબઈમાં સ્વિમિંગના વિશ્વવિક્રમ માટે સજ્જ
સોલાપુરની ૧૬ વર્ષની કીર્તિ નંદકિશોર ભરાડિયા મુંબઈમાં અરબી સમુદ્રમાં અટક્યા વગર સતત ૩૬ કિલોમીટરનું અંતર પૂરું કરવા માટેનો પડકાર ઝીલવાની છે. તે આજે સવારે ૧૧.૦૦ વાગ્યે વરલી સી લિન્કથી ગેટવે ઑફ ઇન્ડિયા સુધીનું અંતર લગભગ આઠથી દસ કલાકમાં પૂરું કરવાની છે. તે રાત્રે અંદાજે ૮.૦૦ વાગ્યે ગેટવે પહોંચશે. સોલાપુર ડિસ્ટ્રિક્ટ ઍમેટર ઍક્વેટિક અસોસિયેશનના જણાવ્યા મુજબ કીર્તિએ છેલ્લા આઠ મહિનામાં સોલાપુરમાં રોજના સાત કલાક સુધી તરીને આ નવા સાહસ માટેની ભરપૂર પ્રૅક્ટિસ કરી છે.

