પહેલી મૅચ ૮ રને જીત્યા બાદ બીજી મૅચ ૪૫ રને જીતીને ત્રણ મૅચની સિરીઝ પર કર્યો કબજો : મિશેલ હૅયે ૪૧ અણનમ રન ફટકાર્યા
ઑલરાઉન્ડર મિચલ સૅન્ટનર ફુલટાઇમ વાઇટ બૉલ કૅપ્ટન તરીકે ન્યુ ઝીલૅન્ડ માટે પહેલી સિરીઝ જીત્યો.
ન્યુ ઝીલૅન્ડે ઘરઆંગણે રમાઈ રહેલી શ્રીલંકા સામેની T20 સિરીઝમાં ૨-૦થી લીડ મેળવી છે. ન્યુ ઝીલૅન્ડે પાંચ વિકેટે ૧૮૬ રન બનાવ્યા બાદ શ્રીલંકા ૧૮૭ રનનો ટાર્ગેટ ચેઝ કરતી સમયે ૧૯.૧ ઓવરમાં ૧૪૧ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. પહેલી મૅચ ૮ રને જીત્યા બાદ બીજી મૅચ ૪૫ રને જીતીને કિવીઓએ ત્રણ મૅચની સિરીઝ પર કબજો કર્યો છે. શ્રીલંકા સામે આ ફૉર્મેટમાં કિવીઓની આ હૅટ-ટ્રિક જીત હતી. શ્રીલંકન ટીમ કિવીઓ સામે તેમની ધરતી પર આ ફૉર્મેટની સિરીઝમાં હરાવવામાં ક્યારેય સફળ રહી નથી.
ન્યુ ઝીલૅન્ડે ટિમ રૉબિન્સન (૩૪ બૉલમાં ૪૧ રન), માર્ક ચૅપમૅન (૨૯ બૉલમાં ૪૨ રન) અને મિશેલ હૅય (૧૯ બૉલમાં ૪૧ અણનમ રન)ની મદદથી શ્રીલંકા સામે પડકારજનક સ્કોર ઊભો કર્યો હતો. ફાસ્ટ બોલર જેકબ ડફીએ તરખાટ મચાવતાં ૧૫ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. કૅપ્ટન મિચલ સૅન્ટનર અને ફાસ્ટ બોલર મૅટ હેન્રીએ પણ બે-બે વિકેટ લઈને શ્રીલંકાના બૅટર્સને હેરાન કર્યા હતા.

