કૅપ્ટન ગંભીર ફક્ત એક રન બનાવી શક્યો હતો

રૉસ ટેલર
રાજસ્થાનના જોધપુરમાં શનિવારે લેજન્ડ્સ લીગ ક્રિકેટ (એલએલસી)ની છેલ્લી લીગ મૅચમાં ન્યુ ઝીલૅન્ડનો નિવૃત્ત બૅટર રૉસ ટેલર (૫૧ અણનમ, ૩૩ બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર) ઇન્ડિયા કૅપિટલ્સ ટીમને જિતાડી નહોતો શક્યો, કારણ કે વેસ્ટ ઇન્ડીઝના એક સમયના ૪૩ વર્ષના આક્રમક બૅટર રિકાર્ડો પૉવેલ (૯૬ રન, બાવન બૉલ, સાત સિક્સર, આઠ ફોર)ની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી મણિપાલ ટાઇગર્સે ૭ વિકેટ ગુમાવ્યા બાદ ૧૮૪ રનનો લક્ષ્યાંક છેલ્લા બૉલમાં મેળવી લીધો હતો અને ગૌતમ ગંભીરના સુકાનમાં ઇન્ડિયા કૅપિટલ્સની હાર થઈ હતી. જોકે રવિવારે એ જ મેદાન પર રમાયેલી ક્વૉલિફાયરમાં ઇન્ડિયા કૅપિટલ્સે ટેલરની વધુ એક એક્સાઇટિંગ ઇનિંગ્સની મદદથી ભીલવાડા કિંગ્સ સામે જીતીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતા. ઇન્ડિયા કૅપિટલ્સ આઇપીએલની દિલ્હી કૅપિટલ્સ ટીમના માલિકોની ટીમ છે.
રવિવારે ઇરફાન પઠાણની કૅપ્ટન્સીમાં ભીલવાડા કિંગ્સે શેન વૉટ્સનના ૬૫ રન અને વિલિયમ પૉર્ટરફીલ્ડના ૫૯ રનની મદદથી પાંચ વિકેટે ૨૨૬ રન બનાવ્યા છતાં હાર જોવી પડી હતી, કારણ કે તેમને ઇન્ડિયા કૅપિટલ્સનો સૌથી ડેન્જરસ બૅટર રૉસ ટેલર નડ્યો હતો. ટેલરે ૩૯ બૉલમાં પાંચ સિક્સર, નવ ફોરની મદદથી ૮૪ રન બનાવ્યા હતા. કૅપ્ટન ગંભીર ફક્ત એક રન બનાવી શક્યો હતો, પણ ઍશ્લી નર્સે અણનમ ૬૦ રન બનાવ્યા હતા અને ઇન્ડિયા કૅપિટલ્સે ૧૯.૩ ઓવરમાં ૬ વિકેટે ૨૩૧ રન બનાવી લીધા હતા. ભીલવાડાના ફિડેલ એડવર્ડ્સે સૌથી વધુ બે વિકેટ લીધી હતી. ટેલરને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.
યુસુફ પઠાણ અને મિચલ જૉન્સન મારામારી સુધી આવી ગયા, લેડી અમ્પાયરે છોડાવવા પડ્યા
રવિવારે જોધપુરમાં લેજન્ડ્સ લીગ ક્રિકેટની નૉકઆઉટ મૅચ દરમ્યાન ભીલવાડા કિંગ્સનો બૅટર યુસુફ પઠાણ અને ઇન્ડિયા કૅપિટલ્સનો ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચલ જૉન્સન દલીલબાજી બાદ મારામારી પર આવી ગયા હતા અને તેમને મહિલા અમ્પાયર તથા અન્ય ખેલાડીઓએ છોડાવવા પડ્યા હતા. જૉન્સન સતત સ્લૅજિંગ કરી રહ્યો હોવાથી યુસુફ ઉશ્કેરાયો હતો અને બન્ને વચ્ચે દલીલો થઈ હતી. આ ઘટના પછી યુસુફે જૉન્સનની ઓવરમાં બે સિક્સર અને એક ફોર ફટકારી હતી. જોકે થોડી વારમાં જૉન્સને યુસુફને આઉટ કરી દીધો હતો. જૉન્સને યુસુફને ધક્કો માર્યો હતો. જૉન્સનની પચાસ ટકા મૅચ ફી કપાઈ ગઈ અને ચેતવણી પણ અપાઈ.