ઍલસ્ટર કુકને પછાડીને ઇંગ્લૅન્ડ માટે સર્વાધિક ટેસ્ટ-સેન્ચુરી ફટકારનાર બૅટર પણ બન્યો, એક ટેસ્ટની બે ઇનિંગ્સમાં પહેલી વાર બે સેન્ચુરી ફટકારી
જો રૂટ
શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં ત્રીજા દિવસે ૧૦૩ રનની ઇનિંગ્સ રમીને ૩૩ વર્ષના જો રૂટે ઇતિહાસ રચ્યો હતો. તેની કરીઅરમાં તેણે પહેલી વાર એક ટેસ્ટમાં બે સેન્ચુરી ફટકારી છે. પહેલી ઇનિંગ્સમાં તેણે ૧૪૩ રન કર્યા હતા. સતત બે સેન્ચુરી સાથે તે ઇંગ્લૅન્ડ માટે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૫૦ સેન્ચુરી ફટકારનાર પહેલો બૅટર બન્યો છે. તેણે ઇંગ્લૅન્ડ માટે ટેસ્ટ-સેન્ચુરીના મામલે ઍલસ્ટર કુક (૩૩ સેન્ચુરી)ને પાછળ છોડ્યો છે.
જો રૂટે ઐતિહાસિક લૉર્ડ્સના મેદાન પર સૌથી વધુ ૭ સેન્ચુરી ફટકારવાનો રેકૉર્ડ પણ બનાવ્યો હતો. ૧૪૫ ટેસ્ટમાં તેના નામે ૩૪ સેન્ચુરી અને ૧૭૧ વન-ડેમાં ૧૬ સેન્ચુરી છે. જોકે ૩૨ T20માં તે એક પણ સેન્ચુરી ફટકારી શક્યો નથી. બીજી ટેસ્ટ જીતવા માટે શ્રીલંકાને ૪૮૩ રનનો ટાર્ગેટ મળ્યો હતો. ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝમાં ઇંગ્લૅન્ડ ૧-૦થી આગળ હતું.

