બોલિંગ ટેસ્ટ-રેન્કિંગમાં શિખરે પહોંચનાર ગુજરાતનો આ ક્રિકેટર પહેલો ભારતીય ફાસ્ટ બોલર
જસપ્રિત બુમરાહ
ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર અને વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં હીરો રહેલા અને ગુજરાતી ક્રિકેટર જસપ્રીત બુમરાહ ક્રિકેટ-વિશ્વમાં નંબર વન ટેસ્ટ-બોલર બની ગયો છે. બુધવારે આઇસીસીએ જાહેર કરેલા રૅન્કિંગમાં જસપ્રીત બુમરાહે ભારતના જ રવિ અશ્વિનને પછાડીને ટેસ્ટ-બોલિંગમાં પહેલું સ્થાન મેળવી લીધું છે. આ પહેલાં રવિ અશ્વિન નંબર વન ટેસ્ટ-બોલર હતો, પણ હવે અશ્વિન ત્રીજા સ્થાને ધકેલાઈ ગયો છે.
બુમરાહનું શાનદાર પ્રદર્શન
જસપ્રીત બુમરાહે ઇંગ્લૅન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં શરૂઆતની બે ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. બીજી ટેસ્ટમાં બુમરાહ ભારતની જીતમાં મુખ્ય ખેલાડી રહ્યો હતો. બીજી ટેસ્ટ મૅચમાં પહેલી ઇનિંગ્સમાં જસપ્રીત બુમરાહે ૬ વિકેટ ઝડપી હતી તો બીજી ઇનિંગ્સમાં ૩ વિકેટ ઝડપી હતી. આમ આ ગુજરાતી-પંજાબી બોલરે બે ટેસ્ટ મૅચમાં કુલ ૧૫ વિકેડ ઝડપી હતી.બીજી ટેસ્ટમાં ૪૫ રન આપી ૬ વિકેટ એ તેનું ટેસ્ટ-ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું.
ADVERTISEMENT
રચ્યો ઇતિહાસ
જસપ્રીત બુમરાહ ટેસ્ટથી પહેલાં વન-ડે અને ટી૨૦ ક્રિકેટમાં પણ નંબર વન બોલર રહી ચૂક્યો છે. એવામાં ટેસ્ટમાં નંબર વન આવતાંની સાથે જ તેણે ઇતિહાસ રચી દીધો છે. બુમરાહ ત્રણેય ફૉર્મેટમાં પહેલા સ્થાને પહોંચનાર વિશ્વનો અને ગુજરાતનો પહેલો બોલર બની ગયો છે. આ પહેલાં કોઈ પણ બોલર આવું કરી નથી શક્યો.
સ્પેશ્યલ ક્લબમાં સામેલ
જસપ્રીત બુમરાહ વિરાટ કોહલી સાથે ખાસ ક્લબમાં જોડાઈ ગયો છે. ભારતના સ્ટાર બૅટ્સમૅન વિરાટ કોહલીને બાદ કરતાં જસપ્રીત બુમરાહ એશિયાનો પહેલો ખેલાડી બની ગયો છે જેણે ત્રણેય ફૉર્મેટમાં નંબર વનનું સ્થાન મેળવ્યું હોય. જસપ્રીત બુમરાહ ટેસ્ટ-રૅન્કિંગમાં પહેલું સ્થાન મેળવનાર પહેલો ભારતીય ફાસ્ટ બોલર છે.
બૅટિંગમાં કેન વિલિયમસન ટોચ પર
ટેસ્ટ-બૅટ્સમૅનની યાદીમાં ન્યુ ઝીલૅન્ડના સુકાની કેન વિલિયમસન પહેલા સ્થાને પહોંચી ગયો છે. તેણે સાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી ટેસ્ટ-સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરતાં પહેલી ટેસ્ટમાં બન્ને ઇનિંગ્સમાં સદી ફટકારી છે, જ્યારે ઑસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ એક સ્થાનના ફાયદા સાથે બીજા સ્થાને આવી ગયો છે. ઇંગ્લૅન્ડના જો રૂટને ભારત સામે બન્ને ટેસ્ટ-મૅચમાં ખરાબ પ્રદર્શનને પગલે નુકસાન થયું છે અને તે ત્રીજા સ્થાને ખસકી ગયો છે. ભારતના વિરાટ કોહલી બે ટેસ્ટ-મૅચ નહીં રમતાં તેને નુકસાન થયું છે અને તે પહેલા સ્થાનથી સરકીને સીધો સાતમા ક્રમે પહોંચી ગયો છે.
યશસ્વી જયસ્વાલે ટેસ્ટ-રૅન્કિંગમાં મારી છલાંગ
ઇંગ્લૅન્ડ સામે બીજી ટેસ્ટ-મૅચમાં પહેલી ઇનિંગ્સમાં યશસ્વી જયસ્વાલે શાનદાર પ્રદર્શન કરતાં ૨૯૦ બૉલમાં ૨૦૯ રન કરી પોતાની કારકિર્દીમાં પહેલી બેવડી સદી ફટકારી હતી. તેના કારણે પહેલી ઇનિંગ્સમાં ૩૯૬ રનનો મજબૂત સ્કોર કર્યો હતો. આ પ્રદર્શનને પગલે જયસ્વાલને ટેસ્ટ-બૅટ્સમૅનના રૅન્કિંગમાં મોટો ફાયદો થયો છે. ૩૭ સ્થાનની છલાંગ લગાવીને તે ટૉપ-૩૦ના લિસ્ટમાં જોડાઈ ગયો છે. ટેસ્ટ બૅટ્સમૅનના રૅન્કિંગમાં જયસ્વાલ ૬૬માંથી ૬૩ રેટિંગ-પૉઇન્ટ સાથે ૨૯મા સ્થાને પહોંચી ગયો છે.