જપાને ૨૨ સપ્ટેમ્બરે ભારત સામે રમાનારી પોતાની પહેલી ઐતિહાસિક T20 મૅચ માટે ૧૫ સભ્યોની ટીમ જાહેર કરી છે. કેન્ડલ કડોવાકી-ફ્લેમિંગ ટીમનું નેતૃત્વ કરશે અને આ મૅચ રાજદ્વારી સંબંધોની ૭૫મી વર્ષગાંઠની ઉજવણીરૂપે રમાશે.
કેન્ડલ કડોવાકી-ફ્લેમિંગ
બાવીસ સપ્ટેમ્બરે સાનો ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત સામેની પહેલી ઐતિહાસિક T20 મૅચ માટે યજમાન જપાને ૧૫ સભ્યોની સ્ક્વૉડ જાહેર કરી છે. આ એ જ ટીમ છે જે ઘરઆંગણે રમાનારી એશિયન ગેમ્સમાં મેન્સ ક્રિકેટ ઇવેન્ટમાં ભાગ લેશે.
જપાનનો રેગ્યુલર કૅપ્ટન કેન્ડલ કડોવાકી-ફ્લેમિંગ ભારત સામેની T20 મૅચમાં આગેવાની કરશે. ૩૦ વર્ષના આ ખેલાડીએ જપાન માટે પંચાવન મૅચમાં ૧૩૯.૪૧ના સ્ટ્રાઇક-રેટથી બે સદી અને ૧૨ ફિફ્ટી ફટકારીને સૌથી વધુ ૧૮૭૧ રન બનાવ્યા છે. તે એક પાર્ટ-ટાઇમ સ્પિનર પણ છે.
સુઝુકી કપ તરીકે રમાનારી આ મૅચ ભારત અને જપાન વચ્ચેના રાજદ્વારી સંબંધોની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે રમાશે. બાવીસ સપ્ટેમ્બરે ભારતીય સમય અનુસાર સવારે ૯.૩૦ વાગ્યે રમાનારી આ મૅચ માટે ફૅનકોડ ઍપ્લિકેશને સ્ટ્રીમિંગ રાઇટ્સ મેળવ્યા છે, જ્યારે ડિજિટલ રાઇટ્સ માટે સોની, સ્ટાર અને ઝી જેવી મોટી વૈશ્વિક કંપનીઓ રેસમાં છે.
