CSKના હાઈ પર્ફોર્મન્સ સેન્ટર અને ઍકૅડેમીની કમાન સંભાળશે
ફાઇલ તસવીર
ભારતીય ટીમનો દિગ્ગજ ઑફ-સ્પિનર રવિચન્દ્રન અશ્વિન હવે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) હાઈ પર્ફોર્મન્સ સેન્ટરનો હવાલો સંભાળવા માટે તૈયાર છે. CSKના CEO કાસી વિશ્વનાથને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘અશ્વિન હાઈ પર્ફોર્મન્સ સેન્ટર તેમ જ ભારત અને વિદેશમાં ટીમની વિવિધ ઍકૅડેમીનો હવાલો સંભાળશે. અશ્વિન ભારત અને તામિલનાડુના મહાન ખેલાડીઓમાંનો એક છે અને તેની હાજરી હાઈ પર્ફોર્મન્સ સેન્ટર અને અમારી ઍકૅડેમીને મોટું પ્રોત્સાહન આપશે.’
૨૦૦૯થી ૨૦૧૫ સુધી ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમનાર રવિચન્દ્રન અશ્વિન ૨૦૨૨થી રાજસ્થાન રૉયલ્સનો ભાગ છે. તેની આ નવી જવાબદારીથી તેનો ચેન્નઈની ફ્રૅન્ચાઇઝીમાં વાપસી કરવાનો માર્ગ ફરી એક વાર ખૂલશે. ૩૭ વર્ષનો અશ્વિન હાલમાં જ અનિલ કુંબલે પછી ટેસ્ટમાં ૫૦૦ વિકેટ લેનારો બીજો ભારતીય બોલર બન્યો હતો.

