૭૯ કરોડ રૂપિયા ખર્ચીને જે છે એ પ્લેયર્સને જાળવી રાખ્યા તેઓ નવ મૅચ સુધી નથી આપી શક્યા મૅચવિનિંગ પર્ફોર્મન્સ
જોસ બટલર, યુઝવેન્દ્ર ચહલ
રાજસ્થાન રૉયલ્સની ટીમ વર્તમાન IPL સીઝનમાં સંઘર્ષ કરી રહી છે. એને નવ મૅચમાંથી સાત હાર અને માત્ર બે જીત મળી છે. તેમની નેટ રનરેટ માત્ર -૦.૬૨૫ છે. રેગ્યુલર કૅપ્ટન સંજુ સૅમસનની ઇન્જરીને કારણે બિનઅનુભવી કૅપ્ટન રિયાન પરાગને ટીમની જવાબદારી મળી રહી છે.
રાજસ્થાને મેગા ઑક્શનમાં ઓપનર જોસ બટલર અને અનુભવી સ્પિનર યુઝવેન્દ્ર ચહલને રીટેન ન કરીને સૌને ચોંકાવ્યા હતા. બટલરે ગુજરાત ટાઇટન્સ માટે ૮ મૅચમાં ત્રણ ફિફ્ટીની મદદથી ૩૫૬ રન ફટકાર્યા છે, જ્યારે યુઝવેન્દ્ર ચહલે પંજાબ કિંગ્સ માટે આઠ મૅચમાં ૨૪૨ રન આપીને નવ વિકેટ ઝડપી છે. તેમણે પોતાના પ્રદર્શનથી ટીમને ઘણી મુશ્કેલ મૅચમાં જીત અપાવી છે, જ્યારે રાજસ્થાને રીટેન કરેલા છ પ્લેયર્સ ટીમ માટે આ સીઝનમાં મૅચવિનિંગ પર્ફોર્મન્સ આપી શક્યા નથી. રાજસ્થાને પંજાબ કિંગ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ સામે જીતેલી મૅચમાં પણ અનુક્રમે ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર અને મિડલ ઑર્ડર બૅટર નીતીશ રાણા પ્લેયર ઑફ ધ મૅચ બન્યા હતા.
ADVERTISEMENT
મેગા ઑક્શન પહેલાં પોતાના છ પ્લેયર્સને જાળવી રાખવા માટે રાજસ્થાને કુલ ૭૯ કરોડ રૂપિયા ખર્ચી કાઢ્યા હતા; જેમાં કૅપ્ટન સંજુ સૅમસન (૧૮ કરોડ), યશસ્વી જાયસવાલ (૧૮ કરોડ), ધ્રુવ જુરેલ (૧૪ કરોડ), રિયાન પરાગ (૧૪ કરોડ), શિમરન હેટમાયર (૧૧ કરોડ) અને સંદીપ શર્મા (૪ કરોડ)નો સમાવેશ થાય છે. જોકે તેમને મળનારી કિંમત જેવું શાનદાર પ્રદર્શન તેમના મોટા ભાગના રીટેન પ્લેયર્સ આ સીઝનમાં કરી શક્યા નથી. જોસ બટલરનો રાજસ્થાનનો જૂનો ઓપનિંગ પાર્ટનર યશસ્વી જ અડધી સીઝનમાં તેના જેવું શાનદાર પ્રદર્શન કરી શક્યો છે.
રાજસ્થાનના રીટેન પ્લેયર્સનું પ્રદર્શન
યશસ્વી જાયસવાલ : નવ મૅચમાં ૩૫૬ રન
ધ્રુવ જુરેલ : નવ મૅચમાં ૨૩૮ રન
રિયાન પરાગ : નવ મૅચમાં ૨૩૪ રન
સંજુ સૅમસન : સાત મૅચમાં ૨૨૪ રન
શિમરન હેટમાયર : નવ મૅચમાં ૧૮૭ રન
સંદીપ શર્મા : નવ મૅચમાં ૩૨૮ રન આપીને આઠ વિકેટ
જોસ બટલર થોડા સમય માટે રાજસ્થાનનો મુખ્ય પ્લેયર હતો. તેણે એકલા હાથે વિરોધી ટીમને નુકસાન પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મને થોડું આશ્ચર્ય થયું કે તેમણે તેને રીટેન ન કર્યો.
- ભૂતપૂર્વ ભારતીય સ્પિનર અનિલ કુંબલે


