લખનઉએ આપેલા ૧૬૫ રનના ટાર્ગેટને ૮ બૉલ પહેલાં ચેઝ કરીને ૭ વિકેટે જીત્યું ગુજરાત, ઘરઆંગણે લખનઉનો સતત છઠ્ઠો પરાજય
૨૮ રન આપીને ૪ વિકેટ લઈને IPL કરીઅરનું બેસ્ટ પ્રદર્શન કર્યું હતું ગુજરાતના પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ.
IPLની ઓગણીસમી સીઝનની ઓગણીસમી મૅચમાં ગુજરાત ટાઇટન્સે હોમ ટીમ લખનઉ સુપર જાયન્ટસને ૭ વિકેટે માત આપી હતી. ઓપનર એઇડન માર્કરમના ૩૦ રન સિવાય અન્ય કેટલીક નાની ઇનિંગ્સના આધારે લખનઉએ ૮ વિકેટે ૧૬૪ રન કર્યા હતા. જવાબમાં ગુજરાતે શુભમન ગિલ અને જૉસ બટલરની ફિફ્ટીની મદદથી ૧૮.૪ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને ૧૬૫ રન ચેઝ કર્યા હતા. લખનઉ સામે સતત ૩ હાર બાદ ગુજરાતે જીત નોંધાવી હતી. લખનઉ માટે ઓપનર એઇડન માર્કરમે પાંચ ફોર અને એક સિક્સરના આધારે ૨૧ બૉલમાં ૩૦ રન કર્યા હતા. નિકોલસ પૂરને ૨૧ બૉલમાં ૧૯ રન કર્યા હતા જ્યારે રિષભ પંત, મુકુલ ચૌધરી અને અબ્દુલ સમદે ૧૮-૧૮ રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત માટે પેસ બોલર પ્રસિદ્ધિ ક્રિષ્નાએ ૪ ઓવરમાં ૨૮ રન આપીને ૪ વિકેટ લીધી હતી. આ તેની IPL કરીઅરનું બૅસ્ટ બોલિંગ-પ્રદર્શન હતું. પેસ બોલર અશોક શર્માને બે વિકેટ, કૅગિસો રબાડા અને મોહમ્મદ સિરાજને ૧-૧ વિકેટ મળી હતી. રન-ચેઝ દરમ્યાન ગુજરાતના ઓપનર શુભમન ગિલે ૪૦ બૉલમાં ૬ ફોર અને એક સિક્સરના આધારે ૫૬ રન કર્યા હતા. ત્રીજા ક્રમે રમી રહેલા જોસ બટલરે ૩૭ બૉલમાં ૧૧ ફોરના આધારે ૬૦ રન કર્યા હતા. વૉશિંગ્ટન સુંદરે ૧૩ બૉલમાં ૨૧ રન અને રાહુલ તેવતિયાએ ૮ બૉલમાં ૧૦ રન કરીને મૅચ ૮ બૉલ પહેલાં પૂરી કરી હતી. લખનઉ તરફથી પેસ બોલર્સ પ્રિન્સ યાદવ, મોહમ્મદ શમી સિવાય સ્પિનર દિગ્વેશ રાઠીને એક-એક સફળતા મળી હતી.
લખનઉમાં હોમ ટીમનું છેલ્લી ૬ મૅચનું રિઝલ્ટ
ADVERTISEMENT
ચેન્નઈ સામે પાંચ વિકેટથી હાર
દિલ્હી સામે ૮ વિકેટથી હાર
હૈદરાબાદ સામે ૬ વિકેટથી હાર
બૅન્ગલોર સામે ૬ વિકેટથી હાર
દિલ્હી સામે ૬ વિકેટથી હાર
ગુજરાત સામે ૭ વિકેટથી હાર
કિંગ કોહલીનો રેકૉર્ડ તોડીને ૪૦૦૦ રન કરનાર સૌથી નાનો યુવા ખેલાડી બન્યો શુભમન ગિલ
શુભમન ગિલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ૪૦૦૦ રનનો માઇલસ્ટોન હાંસલ કરનાર સૌથી નાની ઉંમરનો ક્રિકેટર બન્યો છે. તેણે વિરાટ કોહલીનો રેકૉર્ડ તોડ્યો છે. શુભમન ગિલે ૨૬ વર્ષ અને ૨૧૬ દિવસની ઉંમરે પોતાના ૪૦૦૦ રન પૂરા કર્યા છે. વિરાટ કોહલીએ વર્ષ ૨૦૧૬માં ૨૭ વર્ષ અને ૧૯૫ દિવસની ઉંમરે ૪૦૦૦ રનનો માઇલસ્ટોન હાંસલ કર્યો હતો. શુભમન ગિલ પાસે હવે ૧૧૮ IPL ઇનિંગ્સમાં ૩૯.૯૧ની ઍવરેજથી કુલ ૪૦૩૧ રન છે. IPLમાં ૪૦૦૦ રન બનાવનાર તે પાંચમો સૌથી ઝડપી બૅટ્સમેન પણ બન્યો. માત્ર ૧૦૪ ઇનિંગ્સમાં ૪૦૦૦ IPL રન પૂરા કરનાર કે.એલ. રાહુલ આ યાદીમાં ટોચ પર છે.
IPLમાં પહેલી વખત ૨૫૦ T20 મૅચ રમનાર પ્લેયરનું ડેબ્યુ

શ્રીલંકન સ્પિનર વનિન્દુ હસરંગાના રિપ્લેસમેન્ટ તરીકે આવેલા સાઉથ આફ્રિકાના સ્પિન ઑલરાઉન્ડર જ્યૉર્જ લિન્ડેએ લખનઉ તરફથી IPL ડેબ્યુ કર્યું હતું. તે IPL ડેબ્યુ પહેલાં હાઇએસ્ટ ૨૫૦ T20 મૅચ રમનાર ખેલાડી છે. તેના પહેલાં આ રેકૉર્ડ ૨૩૩ મૅચ સાથે આ સીઝનમાં જ સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ડેબ્યુ કરનાર ઇંગ્લૅન્ડના પેસ બોલર ડેવિડ પેનના નામે હતો. તે હજી પણ IPL ડેબ્યુ સમયે હાઇએસ્ટ ૩૦૪ T20 વિકેટ લેનાર પ્લેયર છે.
T20માં ફિફ્ટી ફટકારવાની સેન્ચુરી કરી જૉસ બટલરે
T20 ક્રિકેટમાં ૧૦૦થી વધુ વખત ફિફ્ટ ફટકારનાર ડેવિડ વૉર્નર (૧૨૬) અને વિરાટ કોહલી (૧૦૭) બાદ જૉસ બટલર ત્રીજો પ્લેયર બન્યો છે. જૉસ બટલરે ગઈ કાલે T20માં ફિફ્ટી ફટકારવાની સેન્ચુરી કરી હતી. તેણે ગઈ કાલે T20માં ૧૪,૦૦૦ રન પૂરા કર્યા હતા. અગાઉ ક્રિસ ગેઇલ, કાઇરન પોલાર્ડ, એલેક્સ હેલ્સ અને ડેવિડ વૉર્નર જ ૧૪,૦૦૦ T20 રનનો આંકડો પાર કરી શક્યા છે.
લખનઉ-ગુજરાતની મૅચ જોવા આવેલી સારા તેન્ડુલકર છવાઈ ગઈ

લખનઉના એકાના સ્ટેડિયમમાં લખનઉ-ગુજરાતની મૅચ જોવા સચિનની દીકરી સારા તેન્ડુલર પણ પહોંચી હતી. લખનઉની ટીમમાં તેનો ભાઈ અર્જુન તેન્ડુલકર અને ગુજરાતની ટીમમાં તેનો રૂમર્ડ બૉયફ્રેન્ડ શુભમન ગિલ સામેલ છે. અર્જુને ગઈ કાલે પણ રમવાની તક નહોતી મળી. તેની પત્ની સાનિયા તેન્ડુલકર લખનઉ સુપર જાયન્ટ્સની જર્સીમાં જોવા મળી હતી. જોકે સારા તેન્ડુલકર ટીમ જર્સીમાં નહીં પણ સુંદર કુરતીમાં જોવા મળી હતી. બૉલીવુક ઍક્ટર સિદ્ધાર્થ ચતુર્વેદી પણ લખનઉની ટીમના માલિકો સાથે એકાના સ્ટેડિયમમાં મૅચનો આનંદ માણવા પહોંચ્યો હતો.
