ઓપનર્સે ૮૮.૪ ટકા રન ફોર અને સિક્સર મારફત ફટકારીને ૧૫૦+નો ટાર્ગેટ સૌથી વધુ ઝડપે ચેઝ કર્યો
IPL 2024
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લેટેસ્ટ સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આક્રમક અંદાજમાં બૅટિંગ કરીને એક બાદ એક રેકૉર્ડ બનાવવાની સાથે તોડી રહી છે. ૮ મેએ હૈદરાબાદે ૧૦ વિકેટથી શાનદાર જીત મેળવી પોતાના કૅપ્ટન પૅટ કમિન્સને બર્થ-ડે પર સ્પેશ્યલ ગિફ્ટ આપી હતી. લખનઉએ પ્રથમ બૅટિંગ કરીને ૪ વિકેટે ૧૬૫ રન કર્યા હતા. જવાબમાં હૈદરાબાદે એક પણ વિકેટ ગુમાવ્યા વગર ૯.૪ ઓવરમાં ૧૬૭ રન ફટકારીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. જોઈ લો રોમાંચક મૅચના ચમકારા...
IPLના ઇતિહાસમાં ૧૫૦+ના ટાર્ગેટને સૌથી વધુ ઝડપે ચેઝ કરનાર હૈદરાબાદે ૨૦૧૪નો કોલકાતા નાઇટ રાઇડર્સનો રેકૉર્ડ તોડ્યો હતો. એ વખતે કલકત્તાએ હૈદરાબાદ સામે ૧૬૧ રનનો ટાર્ગેટ ૧૪.૨ ઓવરમાં ચેઝ કર્યો હતો. હૈદરાબાદી ઓપનર્સ ટ્રૅવિસ હેડે ૧૬ બૉલમાં અને અભિષેક શર્માએ ૧૯ બૉલમાં ફિફ્ટી ફટકારી હતી. ૩૪ બૉલમાં ૧૦૦ની પાર્ટનરશિપ કરનાર હૈદરાબાદના ઓપનર્સે IPL ઇતિહાસનો ૧૦મી ઓવર સુધીનો હાઇએસ્ટ સ્કોર પણ નોંધાવ્યો હતો.
ADVERTISEMENT
મૅચ પહેલાં હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં ૫૫,૦૦૦ દર્શકોએ એકસાથે કૅપ્ટન પૅટ કમિન્સને હૅપી બર્થ-ડે વિશ કર્યું હતું. હૈદરાબાદી ઓપનર્સે ૧૬ ફોર અને ૧૪ સિક્સરની મદદથી ૧૪૮ રન ફટકાર્યા હતા એટલે કે ઇનિંગ્સના ૮૮.૪ ટકા રન તેમણે પિચ પર ઊભા-ઊભા જ ફટકાર્યા હતા, જ્યારે ૧૬ રન સિંગલ્સ અને ડબલ રન દોડીને અને ૩ એક્સ્ટ્રા રન બોલર્સના વાઇડ બૉલને કારણે મળ્યા હતા.
આ વખતનો સિક્સર-કિંગ અભિષેક
૧૭મી સીઝન પહેલાં સુરતની મૉડલના આપઘાતના કેસમાં ફસાયેલા ૨૩ વર્ષના અભિષેક શર્માએ આ મૅચમાં ૬ સિક્સર અને ૮ ચોગ્ગાની મદદથી ૨૬ બૉલમાં ૭૫ રન ફટકાર્યા હતા. ૩૫ સિક્સર સાથે તે વર્તમાન સીઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર ખેલાડી બન્યો છે. ૩૨ સિક્સર સાથે કલકત્તાનો સુનીલ નારાયણ આ લિસ્ટમાં બીજા ક્રમે છે.
ટ્રૅવિસ હેડ એક સમયે વૉટરબૉય હતો
૩૧ વર્ષનો ઑસ્ટ્રેલિયન બૅટર ટ્રૅવિસ હેડ ૮ સિક્સર અને ૮ ચોગ્ગાની મદદથી ૩૦ બૉલમાં ૮૯ રન ફટકારી પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. હૈદરાબાદની ટીમે ૬.૮૦ કરોડમાં ખરીદેલા આ ખેલાડીએ ૨૦૧૬માં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ તરફથી IPL ડેબ્યુ કર્યું હતું. એક સમયે IPL મૅચ દરમ્યાન માત્ર વૉટરબૉયનું કામ કરનાર ટ્રૅવિસ હેડ વર્તમાન સીઝનમાં ૧૧ મૅચમાં ૫૩૩ રન બનાવી ઑરેન્જ કૅપની રેસમાં ત્રીજા સ્થાને છે. તેણે વર્તમાન સીઝનમાં વીસથી ઓછા બૉલમાં ત્રીજી વખત ફિફ્ટી ફટકારીને દિલ્હી કૅપિટલ્સના જેક ફ્રેઝર મૅક્ગર્કના રેકૉર્ડની બરાબરી કરી હતી.
કોણે શું કહ્યું?
બોલર્સની કરીઅર ખતમ થાય એવી બૅટિંગ.
- ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફ
મારી પાસે શબ્દો જ નથી. અમે ટીવી પર તેમની બૅટિંગ જોઈ હતી, પણ આ એકદમ અસાધારણ પ્રદર્શન હતું.
- લખનઉનો કૅપ્ટન કે.એલ. રાહુલ
આ યુવાઓએ પ્રથમ ઇનિંગ્સમાં બૅટિંગ કરી હોત તો ૩૦૦ રન બની ગયા હોત
- સચિન તેન્ડુલકર