સ્ટ્રાઇક-રેટની સુનીલ ગાવસકરની ટીકા વચ્ચે પંજાબ સામે ૪૭ બૉલમાં ૯૨ રન ફટકાર્યા, તો રાઇલી રુસોના મશીનગન સ્ટાઇલમાં સેલિબ્રેશન સામે ગોળીનો વરસાદ કરતી સ્ટાઇલમાં કર્યો વળતો પ્રહાર
વિરાટ કોહલી
ગુરુવારે પંજાબ કિંગ્સને ૬૦ રનથી હરાવીને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર સતત ચોથી જીત સાથે પ્લેઑફની આશાને જીવંત રાખી હતી. બૅન્ગલોરે વિરાટ કોહલીની ૪૭ બૉલમાં ૭ સિક્સર અને ૬ ફોર સાથેના ૯૨ રનની મદદથી પંજાબને ૨૪૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પંજાબ જોકે રાઇલી રુસોની ૨૭ બૉલમાં ૬૧ રનની અફલાતૂન ઇનિંગ્સ છતાં ૧૭ ઓવરમાં ૧૮૧ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. આ હાર સાથે મુંબઈ બાદ પ્લેઑફની રેસમાંથી આઉટ થનાર પંજાબ બીજી ટીમ બની હતી. વિરાટે શશાંક સિંહને રનઆઉટ કરીને પણ ચાહકોનાં દિલ જીતી લીધાં હતાં. વિરાટના હવે સીઝનમાં ૬૩૪ રન થઈ ગયા છે અને ઑરેન્જ કૅપ પર તેણે પકડ વધુ મજબૂત બનાવી લીધી હતી.
૧૯૫.૭૪ની સર્જિકલ સ્ટ્રાઇલ
ADVERTISEMENT
ગાવસકરે વિરાટની વર્લ્ડ કપમાં પસંદગી બાદ તેના નબળા સ્ટ્રાઇક-રેટ વિશે ટીકા કરી હતી. એનો જવાબ ન આપે તો એ વિરાટ નહીં. ગુરુવારે તેણે ૧૯૫.૭૪ના સ્ટ્રાઇક-રેટથી ૪૭ બૉલમાં ૯૨ રન ફટકારીને બતાવી આપ્યું હતું કે જરૂર પડે તો તે આક્રમક પણ રમી શકે છે.
વિરાટ પર ટૉમ મૂડી ફિદા
ગુરુવારે વિરાટના બૅટિંગ અને ફીલ્ડિંગના પર્ફોર્મન્સ બાદ ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ટૉમ મૂડી ફિદા થઈ ગયો હતો અને કહ્યું હતું કે તે લાજવાબ છે. મૅચ બાદ એક શો દરમ્યાન મૂડીએ કહ્યું હતું કે ‘કોહલી અદ્ભુત છે. તે પહેલાં જેવો ભલે ન હોય, પણ હવે ૨૧ વર્ષનો પણ નથી રહ્યો. તે હવે ૩૦ પાર થઈ ગયો છે, પણ હજી તેનો પર્ફોર્મન્સ લાજવાબ છે. તેનામાં પણ ખામીઓ છે, પણ તે પ્રૅક્ટિસમાં ભરપૂર પરસેવો પાડીને એની ભરપાઈ કરી લે છે. તે માત્ર એક ફીલ્ડર નથી, એક બૅટર પણ છે. મૅચના પહેલા હાફમાં તે ૯૨ રનની અદ્ભુત ઇનિંગ્સ રમ્યો હોવા છતાં જરાય થાક્યા વિના તેણે જે રીતે દોડીને શાનદાર થ્રો દ્વારા શશાંક સિંહને રનઆઉટ કર્યો એ અસાધારણ હતું. તેણે બીજી ઇનિંગ્સમાં પણ ગજબનાં ફોકસ, ઉત્સાહ, ફિટનેસ અને ચપળતા જાળવી રાખ્યાં હતાં.’
રુસોને પણ આપ્યો વળતો જવાબ
પંજાબના રાઇલી રુસોએ હાફ-સેન્ચુરી બાદ મશીનગનથી ફાયર કરતો હોય એવી સ્ટાઇલમાં સેલિબ્રેશન કર્યું હતું, પણ તે જેવો આઉટ થયો એટલે વિરાટ કોહલીએ તેને તેની જ સ્ટાઇલમાં જવાબ આપતાં બંદૂકથી ગોળીઓ છોડતો હોય એવા અંદાઝમાં સેલિબ્રેશન કરીને જવાબ આપ્યો હતો.
વિરાટ ચોથી વાર ૬૦૦ પાર, રાહુલ બાદ બીજો
ગઈ કાલે ૯૨ રનની ઇનિંગ્સ સાથે સીઝનમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરના વિરાટ કોહલીના કુલ ૬૩૪ રન થયા હતા. આ સાથે તેણે IPL સીઝનમાં ચોથી વાર ૬૦૦ રનનો આંકડો પાર કર્યો હતો. આ પહેલાં તેણે ૨૦૧૬માં ૯૭૩ રન, ૨૦૨૩માં ૬૩૯ રન અને ૨૦૧૪માં ૬૩૪ રન બનાવ્યા હતા.
આવી કમાલ કરનાર તે કે.એલ. રાહુલ બાદ બીજો બૅટર બની ગયો હતો.

