મુંબઈ અને બૅન્ગલોર બન્ને પાંચમાંથી ચાર મૅચ હારી ચૂકી છે: પૉઇન્ટ્સ-ટેબલમાં મુંબઈ નવમા અને બૅન્ગલોર દસમા સ્થાને
ગઈ કાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બૅટિંગ-પ્રૅક્ટિસ કરતો મુંબઈ ઇન્ડિયન્સનો ભૂતપૂર્વ કૅપ્ટન રોહિત શર્મા. (તસવીર:અતુલ કાંબળે)
આજની મૅચ: મુંબઈ ઇન્ડિયન્સ v/s રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ, સાંજે ૭.૩૦ વાગ્યે, મુંબઈ
આવતી કાલની મૅચ : લખનઉ સુપર જાયન્ટ્સ v/s દિલ્હી કૅપિટલ્સ, સાંજે ૭.૩૦ વાગ્યે, લખનઉ
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલી મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ની ટીમ સામસામે હશે. બન્ને ટીમ પર સારું પ્રદર્શન કરી જીત મેળવીને પૉઇન્ટ્સ-ટેબલમાં આગળ વધવાનું દબાણ હશે. પાંચમાંથી ચાર મૅચ હારી ચૂકેલી કિંગ કોહલીની ટીમે પ્લેઇંગ ઇલેવનની પસંદગીમાં ભૂલો કરી હતી અને મેદાન પર એના પ્રદર્શનથી એની ભરપાઈ કરી શકી નથી. પૉઇન્ટ્સ-ટેબલમાં એ મુંબઈથી એક સ્થાન નીચે છે. મુંબઈ ચારમાંથી એક મૅચ જીતીને નવમા સ્થાને છે.
ઑરેન્જ કૅપ ધરાવતા વિરાટ કોહલી (૩૧૬ રન)ના શાનદાર પ્રદર્શન છતાં બૅન્ગલોરના અભિયાનની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે. હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની અડધી મૅચો ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે અને આવી સ્થિતિમાં બૅન્ગલોરના વિદેશી ખેલાડીઓ ફાફ ડુ પ્લેસી (૧૦૯ રન), ગ્લેન મૅક્સવેલ (૩૨ રન) અને કૅમરન ગ્રીન (૬૮ રન)એ પોતાની લય શોધવી પડશે. પાંચ મૅચમાં એક સેન્ચુરી અને બે ફિફ્ટી ફટકારી ચૂકેલા વિરાટ કોહલીને આજે અન્ય ખેલાડીઓ પાસે સારા પ્રદર્શનની આશા હશે. પાંચ મહિના પહેલાં વર્લ્ડ કપ સેમી ફાઇનલમાં વાનખેડે સ્ટેડિયમમાં સદી ફટકારનાર વિરાટ કોહલી ફરી એક વાર આ જ મેદાન પર બૅટથી કૌશલ્ય બતાવવા તૈયાર હશે. ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલે ચાર વિકેટ ઝડપી છે, જ્યારે મુખ્ય બોલર્સ બિનઅસરકારક રહ્યા છે.
ADVERTISEMENT
કૅપ્ટન હાર્દિક પંડ્યાની ટીમ ફરી એક વાર હોમગ્રાઉન્ડ પર સતત બીજી જીત મેળવવા આતુર છે. ઈશાન કિશન અને રોહિત શર્માએ ટૉપ ઑર્ડર પર રન બનાવ્યા છે, પરંતુ મિડલ ઑર્ડર નિષ્ફળ રહ્યો છે. જસપ્રીત બુમરાહ સહિતના બોલર્સ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે મુંબઈ આજની મૅચમાં બૅન્ગલોરની ટીમને હરાવશે તો આગામી ૧૪ એપ્રિલે ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મૅચમાં એમ.એસ. ધોનીના ધુરંધરોને ટક્કર આપવા કૅપ્ટન હાર્દિક પંડ્યાનું મનોબળ વધશે.
4
આટલી સિક્સર ફટકારી ૨૫૦ IPL સિક્સર પૂરી કરી શકશે કોહલી
3
આટલી વિકેટ લેશે તો IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બીજો બોલર બની જશે પીયૂષ ચાવલા. અત્યારે તેની ૧૮૧ વિકેટ છે, જ્યારે ૧૮૩ વિકેટ સાથે ડ્વેઇન બ્રાવો બીજા નંબરે છે. ૧૯૫ વિકેટ સાથે યુઝવેન્દ્ર ચહલ આ લિસ્ટમાં પહેલા નંબરે છે.
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
કુલ મૅચ ૩૪ |
મુંબઈની જીત ૨૦ |
બૅન્ગલોરની જીત ૧૪ |

