‘નિવૃત્તિ વિશે નિર્ણય લેવા મારી પાસે હજી ૮-૯ મહિના છે, હમણાં શું કામ ચિંતા કરું’, એવું માહીએ સંભવિત નિવૃત્તિ વિશે કહ્યું ત્યાર પછી ભૂતપૂર્વ કૅરિબિયન સાથી ખેલાડીએ તેનાં બેહદ વખાણ કર્યાં
IPL 2023
કિંગ ઇઝ બૅક: એપ્રિલમાં આઇપીએલની ઓપનિંગ સેરેમની દરમ્યાન ધોનીને સીએસકેના રથમાં લાવવામાં આવ્યો હતો. તેના સુકાનમાં ચેન્નઈની ટીમ વિક્રમજનક ૧૦મી વાર ફાઇનલમાં પહોંચી છે.
ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ના ભૂતપૂર્વ કૅરિબિયન ખેલાડી ડ્વેઇન બ્રાવોનું એવું માનવું છે કે આઇપીએલની આ સીઝનથી લાવવામાં આવેલા ઇમ્પૅક્ટ પ્લેયરનો નિયમ મહેન્દ્ર સિંહ ધોનીને કરીઅર લંબાવવામાં મદદરૂપ થઈ શકે.
સીએસકેની ટીમ મંગળવારે વિક્રમજનક ૧૦મી વખત ફાઇનલમાં પહોંચી હતી. ગઈ સીઝન સુધી ચેન્નઈના ખેલાડી તરીકે રમેલા અને હવે એ જ ટીમના બોલિંગ-કોચ બનેલા બ્રાવોએ સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું કે ‘ઇમ્પૅક્ટ પ્લેયરનો રૂલ ધોનીને કારકિર્દી લંબાવવા માટેની તક આપી શકે. મને ૧૦૦ ટકા ખાતરી છે કે તે ૨૦૨૪માં પણ આઇપીએલ રમશે,’ આવું કહીને બ્રાવોએ હાઈ-પ્રેશરની પરિસ્થિતિમાં પણ મૅચ દરમ્યાન મગજ ઠંડું રાખીને નિર્ણયો લેવા બદલ અને સાથીઓ સમક્ષ પ્રેરક અભિગમ જાળવવા બદલ ધોનીનાં ખૂબ વખાણ કર્યાં હતાં.
ADVERTISEMENT
એ પહેલાં ધોનીએ મંગળવારે ચેન્નઈમાં સીએસકેએ ગુજરાત ટાઇટન્સને ૧૫ રનથી હરાવી દીધું ત્યાર પછી ઇનામ-વિતરણ વખતે પોતાની નિવૃત્તિ વિશે થતી ચર્ચા બાબતમાં કહ્યું કે ‘નિર્ણય લેવા માટે મારી પાસે હજી ૮-૯ મહિના છે. ડિસેમ્બરની આસપાસ નાનું ઑક્શન યોજાશે. તો પછી હું શા માટે અત્યારે રિટાયરમેન્ટ વિશે નાહકની ચિંતા કરું? જોકે હું રમતો હોઈશ કે ક્યાંક બેઠો હોઈશ, સીએસકેને મદદ માટે હું હંમેશાં તૈયાર હોઈશ.’ સીએસકેની ટીમ ૨૮ મેએ અમદાવાદમાં આઇપીએલની ફાઇનલ રમશે જેમાં પાંચમી ટ્રોફી જીતી શકે.
ધોની ચેન્નઈમાં અમારી સામે જીત્યો અે બદલ મને ઘણી ખુશી છે. હવે રવિવારે અમદાવાદની ફાઇનલમાં પણ તેની સામે આવવાનું મને વધુ ગમશે. - હાર્દિક પંડ્યા