નવીન-ઉલ-હકે લીગ-સ્ટેજમાં બૅન્ગલોર સામેની મૅચ દરમ્યાન વિરાટ કોહલી સાથે ઝઘડો કર્યો ત્યારથી તે (નવીન) ભારતીય ક્રિકેટપ્રેમીઓમાં અપ્રિય થઈ ગયો છે.

બુધવારે મુંબઈની ટીમના ત્રણ ક્રિકેટર્સ સંદીપ વૉરિયર, વિષ્ણુ વિનોદ અને કુમાર કાર્તિકેયે ઇન્સ્ટાગ્રામ પર નવીનની ‘સ્વીટ મૅન્ગોઝ’ સ્ટોરીના જવાબમાં ‘સ્વીટ સીઝન ઑફ મૅન્ગોઝ’ની કૅપ્શન સાથે પોતાને ગાંધીજીના ત્રણ પ્રતીકાત્મક ડાહ્યા વાંદરા જેવી ઍક્શન સાથેનો ફોટો પડાવ્યો હતો.
‘બુધવારે ચેન્નઈમાં ચેપૉકના મેદાન પર પ્રેક્ષકો મને જોઈને ‘કોહલી... કોહલી...’ની બૂમો પાડતા હતા એ સાંભળીને મને તો બહુ ગમતું હતું અને એ બૂમોને લીધે જ મારામાંથી બેસ્ટ પર્ફોર્મન્સ બહાર આવ્યો હતો,’ એવું મુંબઈ સામેની હાર પછી કહેનાર અફઘાનિસ્તાનનો પેસ બોલર નવીન-ઉલ-હક સોશ્યલ મીડિયામાં તો ટ્રૉલ થયો જ હતો, મુંબઈ ઇન્ડિયન્સના કેટલાક ખેલાડીઓએ પણ નવીનને ટાર્ગેટ બનાવ્યો હતો, પરંતુ પછીથી પોસ્ટ ડિલીટ કરી નાખી હતી.
બુધવારે ૩૮ રનમાં મુંબઈની ૪ વિકેટ લેવા સહિત ૮ મૅચમાં કુલ ૧૧ વિકેટ લેનાર નવીન-ઉલ-હકે લીગ-સ્ટેજમાં બૅન્ગલોર સામેની મૅચ દરમ્યાન વિરાટ કોહલી સાથે ઝઘડો કર્યો ત્યારથી તે (નવીન) ભારતીય ક્રિકેટપ્રેમીઓમાં અપ્રિય થઈ ગયો છે. બુધવારે નવીને રોહિત, સૂર્યાકુમાર, કૅમેરન ગ્રીન અને તિલક વર્માની વિકેટ લીધી હતી.
નવીન-ઉલ-હક સુપર્બ બોલિંગ પર્ફોર્મન્સની સાથે કાન પર આંગળી અડાડીને વિકેટનું સેલિબ્રેશન કરવા માટે જાણીતો છે. તેણે બુધવારે મુંબઈના કૅમેરન ગ્રીનને આઉટ કર્યા બાદ આવું કર્યું હતું. તેનો હેતુ પ્રેક્ષકોમાંથી આવતી ‘કોહલી...કોહલી...’ની બૂમો ન સાંભળવાનો હતો.
થોડા દિવસ પહેલાં બૅન્ગલોરના કોહલી સાથેના ઝઘડા પછી લખનઉના અફઘાનિસ્તાની બોલર નવીન-ઉલ-હકે ઇન્સ્ટાગ્રામ પર ‘સ્વીટ મૅન્ગોઝ’ એવા હેડિંગ સાથે પોસ્ટ કરેલી તસવીરમાં કેરીને ખરાબ હાલતમાં બતાડી હતી. તેણે દીવાલ પરનું ટીવી પણ જોઈ શકાય એવો ફોટો પાડીને પોસ્ટ કર્યો હતો. તેનો આશય મુંબઈ સામે એક જ રનમાં આઉટ થયેલા કોહલીની વિકેટ બતાવવા ઉપરાંત બૅન્ગલોરનો મુંબઈ સામે પણ પરાજય થયો એ દેખાડવાનો હતો. બુધવારે મુંબઈની ટીમના ત્રણ ક્રિકેટર્સ સંદીપ વૉરિયર, વિષ્ણુ વિનોદ અને કુમાર કાર્તિકેયે ઇન્સ્ટાગ્રામ પર નવીનની ‘સ્વીટ મૅન્ગોઝ’ સ્ટોરીના જવાબમાં ‘સ્વીટ સીઝન ઑફ મૅન્ગોઝ’ની કૅપ્શન સાથે પોતાને ગાંધીજીના ત્રણ પ્રતીકાત્મક ડાહ્યા વાંદરા જેવી ઍક્શન સાથેનો ફોટો પડાવ્યો હતો. નવીનને ખાસ કરીને બન્ને કાન પર આંગળી મૂકવાની આદત વિશે ટકોર કરતો આ ફોટો ગઈ કાલે મોડેથી ડિલીટ કરવામાં આવ્યો એ પહેલાં એનો સ્ક્રીનશૉટ સોશ્યલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો હતો.