ડિફેન્ડિંગ ચૅમ્પિયન ગુજરાત સામે છેલ્લી લીગ મૅચમાં બૅન્ગલોરની થશે કસોટી

ફાઇલ તસવીર
આઇપીએલની છેલ્લી લીગ મૅચ રમનાર રૉયલ ચેલેન્જર્સ બૅન્ગલોરને ખબર છે કે પ્લે-ઑફમાં પહોંચવા માટે ગુજરાત ટાઇટન્સ સામે કઈ રીતે રમવાનું છે. વિરાટ કોહલી હાલ તેના શ્રેષ્ઠ ફૉર્મમાં ચાલી રહ્યો છે તો ફૅક ડુ પ્લેસી આ સીઝનમાં ૭૦૦ કરતાં વધુ રન સાથે ટોચ પર છે. બૅન્ગલોર પોતાની ઓપનિંગ જોડી પર મહત્ત્વની મૅચમાં ભરોસો રાખશે. બૅન્ગલોર આઇપીએલની છેલ્લી લીગ મૅચ ઘરઆંગણે રમશે. ત્યાં સુધી મુંબઈ અને હૈદારાબાદની મૅચનું પરિણામ પણ આવી ગયું હશે.
જો બૅન્ગલોર ગુજરાત સામે હારી જાય તો બધી ગણતરી કોઈ કામની નહીં હોય. ગુજરાત હાલ ૧૮ પૉઇન્ટ સાથે ટોચ પર છે. તેઓ પોતાના ટાઇટલને જાળવી રાખવા માગે છે .
ગુજરાતની ટીમે હૈદરાબાદને ૩૪ રનથી હરાવ્યુ હતું. બૅન્ગલોરે પણ હૈદરાબાદને આઠ વિકેટથી હરાવ્યુ હતું, જેમાં કોહલીએ આઇપીએલમાં પોતાની છઠ્ઠી સદી ફટકારી હતી. કોહલી અને ડુ પ્લેસીની ઇનિંગ્સને કારણે તેમણે ૧૮૬ રનના લક્ષ્યાંકનો સરળતાથી સામનો કર્યો હતો.
ડુ પ્લેસીએ ૧૩ મૅચમાં કુલ ૭૦૨ રન કર્યા છે. બૅન્ગલોરની ટીમ કોહલી, ડુ પ્લેસી અને મૅક્સવેલ પર સૌથી વધુ આશા રાખે છે જે ટીમ માટે ચિંતાનું કારણ પણ છે.
ગુજરાત પાસે શુભમન ગિલ, રિદ્ધિમાન સહા, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા જેવા ખેલાડીઓ છે. વળી મોહમ્મદ શમી, રાશિદ ખાન અને મોહિત શર્મા ગુજરાતની બોલિંગને સ્પર્ધાત્મક બનાવે છે.
36
ડુ પ્લેસીએ આ સીઝનમાં અત્યાર સુધી સૌથી વધુ આટલી સિક્સર ફટકારી છે.