ભાવનગરમાં રહેતા ૨૪ વર્ષના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર સાકરિયાને આ વખતે ત્રણ જ મૅચ રમવા મળી છે, જેમાં તેણે ત્રણ વિકેટ લીધી છે

ચેતન સાકરિયા
આઇપીએલની આ સીઝનમાં ત્રણ સેન્ચુરી સહિત સૌથી વધુ કુલ ૬૨૫ રન બનાવનાર અને ઘણા દિવસોથી ‘ઑરેન્જ કૅપ’ના માલિક બનીને બેઠેલા રાજસ્થાન રૉયલ્સના જૉસ બટલરને બુધવારે દિલ્હી કૅપિટલ્સના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાએ પોતાની બીજી જ ઓવરમાં મિડ-ઑન પર શાર્દુલ ઠાકુરના હાથમાં કૅચઆઉટ કરાવી દીધો હતો. બટલર માત્ર ૭ રન બનાવી શક્યો હતો અને તેની નિષ્ફળતા જ રાજસ્થાનના પરાજયનું સૌથી મોટું કારણ બની હતી.
ભાવનગરમાં રહેતા ૨૪ વર્ષના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર સાકરિયાને આ વખતે ત્રણ જ મૅચ રમવા મળી છે, જેમાં તેણે ત્રણ વિકેટ લીધી છે. બુધવારે તેણે રિયાન પરાગ (૯)ની વિકેટ પણ લીધી હતી. સાકરિયાએ મૅચ પછી કહ્યું કે ‘દિલ્હીની જીતમાં મેં ઉપયોગી યોગદાન આપ્યું એનો મને બેહદ આનંદ છે. ખાસ કરીને હું બટલરની વિકેટ લઈ શક્યો એનાથી ખૂબ ખુશ છું. મજા પડી ગઈ. તે અદ્ભુત ફૉર્મમાં છે અને તેને આઉટ કર્યો એ મારા માટે બહુ મોટી વાત છે. મેં નક્કી કરેલા પ્લાન પ્રમાણે બોલિંગ કરી અને મારા પર્ફોર્મન્સથી પણ ઘણો ખુશ છું.’
સાકરિયાને ‘પાવરપ્લેયર ઑફ ધ મૅચ’નો અવૉર્ડ મળ્યો હતો.