માત્ર ૨૧ બૉલ ફેંકાયા બાદ મૅચ રદ કરાઈ હતી

ગઈ કાલે મેઘરાજાએ કરોડો ક્રિકેટપ્રેમીઓની મજા બગાડી નાખી હતી
બૅન્ગલોરમાં બે-ત્રણ દિવસથી વાદળિયું હવામાન હતું જ અને થોડા વરસાદ બાદ ગઈ કાલે મેઘરાજાએ કરોડો ક્રિકેટપ્રેમીઓની મજા બગાડી નાખી હતી. માત્ર ૨૧ બૉલ ફેંકાયા બાદ મૅચ રદ કરાઈ હતી. શ્રીલંકા સામેની ટી૨૦ સિરીઝમાં પંતની પલ્ટને ૦-૨થી પાછળ રહ્યા બાદ પલટવાર કરીને પછીની બે મૅચ જીતીને શ્રેણી ૨-૨થી બરોબરીમાં કરી લીધી હતી. ગઈ કાલે પંતને પોતાની કૅપ્ટન્સી હેઠળની સૌથી પહેલી સિરીઝ જીતવાનો સારો મોકો હતો, પણ બાજી બગડી ગઈ હતી.
પંત એક તો તમામ પાંચેપાંચ મૅચમાં ટૉસ હાર્યો હતો અને ભારતે પાંચ મૅચમાં પ્રથમ બૅટિંગ કરવાનું આવ્યું હતું. ગઈ કાલે ભારતે વરસાદના વિઘ્ન બાદ ૧૯-૧૯ ઓવરની મૅચમાં શરૂઆત ખરાબ કરી હતી, કારણ કે વરસાદને કારણે રમત અટકી ત્યારે ભારતનો સ્કોર બે વિકેટે ૨૮ રન હતો. ઈશાન કિશન ૨૦ રનના ટીમ-સ્કોરે ૧૫ રને લુન્ગી ઍન્ગિડીના બૉલમાં ક્લીન બોલ્ડ થયા પછી ઋતુરાજ ગાયકવાડ ૨૭મા રને ૧૦ રનના વ્યક્તિગત સ્કોર પર ઍન્ગિડીના જ બૉલમાં પ્રિટોરિયસના હાથમાં કૅચઆઉટ થતાં ફરી ફ્લૉપ ગયો હતો. શ્રેયસ ઐયર ઝીરો પર અને રિષભ પંત ૧ રને રમી રહ્યા હતા ત્યારે વરસાદ શરૂ થયા બાદ એ અટક્યા બાદ ફરી શરૂ થયો અને એ પરંપરા ચાલુ રહી હતી. છેવટે ૯.૩૦ વાગ્યા પછી મૅચ રદ જાહેર કરવામાં આવી હતી.
ટેન્ડા બવુમા ઈજાને લીધે નહોતો રમ્યો અને સ્પિનર કેશવ મહારાજે કૅપ્ટન્સીની જવાબદારી મળ્યા પછી પોતાની બોલિંગથી ભારતની ઇનિંગ્સનો આરભં કર્યો હતો. ભારતે રાજકોટની મૅચ જેવી જ ટીમ જાળવી રાખી હતી.
સિરીઝ ૨-૨થી ડ્રૉ જતાં બન્ને ટીમે ટ્રોફી શૅર કરી લીધી હતી. હર્ષલ પટેલની ૭ વિકેટ સિરીઝના તમામ બોલર્સમાં હાઇએસ્ટ હતી, પરંતુ કુલ ૬ વિકેટ લઈને હરીફો પર સૌથી વધુ પ્રભાવ પાડનાર ભુવનેશ્વર કુમારને મૅન ઑફ ધ સિરીઝનો અવૉર્ડ અપાયો હતો. ચહલની પણ ૬ વિકેટ હતી. ઈશાન કિશન ૨૦૬ રન સાથે હાઇએસ્ટ રન-મેકર હતો.