સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટી૨૦થી ડેથ ઓવર્સની અંતિમ યોજના (મૅચનો સમય સાંજે ૭.૦૦ વાગ્યાથી)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
ભારતે ઑસ્ટ્રેલિયાને ટી૨૦ સિરીઝમાં ૨-૧થી હરાવ્યું ત્યાર પછી હવે આજે ટેમ્બા બવુમાના સુકાનવાળી સાઉથ આફ્રિકાની ટીમ સામે પણ ત્રણ મૅચની ટી૨૦ શ્રેણી શરૂ થઈ રહી છે અને આવતા મહિનાના ટી૨૦ વર્લ્ડ કપ પહેલાંની આ ફૉર્મેટની આખરી સિરીઝ છે. મોટા ભાગે તો રોહિત ઍન્ડ કંપનીએ સાઉથ આફ્રિકા સામેની આવતા મહિનાની વન-ડે શ્રેણી પહેલાં જ વિશ્વકપ માટેનો ડેથ ઓવર્સનો પ્લાન તૈયાર કરી રાખ્યો હશે.
એક સમયનો પડકારરૂપ પેસ બોલર ભુવનેશ્વર કુમાર ૧૮-૧૯મી ઓવરમાં સતત નિષ્ફળ રહેતો હોવાથી ભારત માટે ચિંતા વધી છે. જસપ્રીત બુમરાહ કમબૅકમાં સાધારણ રહ્યો છે. રવિવારે હૈદરાબાદમાં ઑસ્ટ્રેલિયા સામે તેને ૫૦ રનમાં એકેય વિકેટ નહોતી મળી.
ADVERTISEMENT
ભારતની વર્લ્ડ કપમાં સૌથી પહેલી મૅચ (૨૩ ઑક્ટોબરે) પાકિસ્તાન સામે છે. કૅપ્ટન રોહિત શર્માએ ભુવનેશ્વરના નબળા ફૉર્મની બાબતમાં તેની તરફેણ કરી છે અને તેને વધુ તક આપવાની ફેવર કરી છે, પરંતુ ડેથ ઓવર્સની બોલિંગ વિશે રોહિત ચિંતિત તો છે જ. ભુવનેશ્વર અને હાર્દિક પંડ્યાને સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાંથી આરામ અપાયો છે. એ જોતાં ડેથ ઓવર્સની બોલિંગ બાબતમાં વ્યૂહ નક્કી કરવા માટે રોહિત પાસે આજથી જે પેસ બોલર્સ છે એમાં બુમરાહ અને હર્ષલ પટેલ ઉપરાંત અર્શદીપ સિંહ, દીપક ચાહર અને કદાચ આ શ્રેણીમાં રમનાર મોહમ્મદ શમીનો સમાવેશ હશે.

