યુવાન ઓપનરે બુધવારે કિંગ કોહલીને ઓળંગ્યો અને કિવીઓ સામે બન્યો કિંગ
ગયા વર્ષે આઇપીએલમાં જીતેલી ટ્રોફી સાથે (ડાબે) અને બુધવારે ન્યુ ઝીલૅન્ડ સામેની ટી૨૦ સિરીઝમાં મેળવેલી ટ્રોફી સાથે હાર્દિક પંડ્યા.
બુધવારે અમદાવાદમાં ટીમ ઇન્ડિયાએ નહીં, પણ માત્ર શુભમન ગિલે (૧૨૬ અણનમ, ૬૩ બૉલ, ૯૯ મિનિટ, ૭ સિક્સર, ૧૨ ફોર) ન્યુ ઝીલૅન્ડને ત્રીજી અને અંતિમ ટી૨૦માં હરાવ્યું એમ કહીએ તો પણ ચાલે, કારણ કે ગિલના ૧૨૬ રનના ૬૦ ટકા રન પણ કિવીઓ નહોતા બનાવી શક્યા અને ભારતે (ક્રિકેટના બે મોટા દેશો વચ્ચેની ટી૨૦ મૅચોમાં) વિક્રમજનક ૧૬૮ રનના તફાવતથી વિજય મેળવ્યો હતો.
સૌથી યુવાન વયે ત્રણેય ફૉર્મેટમાં સેન્ચુરી ફટકારવાની સિદ્ધિ ધરાવનાર ગિલે ભારતને આ રેકૉર્ડ-બ્રેક વિક્ટરી તો અપાવી, તેણે બે નવા ભારતીય વિક્રમ પણ રચ્યા હતા. ટી૨૦ ઇન્ટરનૅશનલ્સમાં ગિલના અણનમ ૧૨૬ રન ભારતીયોમાં હવે સર્વોચ્ચ છે. તેણે વિરાટ કોહલીના અણનમ ૧૨૨ રન (ગયા વર્ષે એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે)નો અગાઉનો હાઇએસ્ટ સ્કોર ઓળંગી લીધો છે. ટી૨૦માં ન્યુ ઝીલૅન્ડ સામે સૌથી વધુ વ્યક્તિગત સ્કોર નોંધાવનારાઓમાં પણ હવે ગિલ મોખરે છે. તેણે સાઉથ આફ્રિકાના રિચર્ડ લિવીના ૧૧૭ રનના સ્કોરને ઓળંગ્યો છે.
ADVERTISEMENT
ગિલ ઇન્ટરનૅશનલ ક્રિકેટનાં ત્રણેય ફૉર્મેટમાં સદી ફટકારનારો આટલામો ભારતીય છે. તે કોહલી, રૈના, રોહિત અને કે. એલ. રાહુલની બરાબરીમાં આવી ગયો છે.
1
ત્રણેય ફૉર્મેટના સૌથી યુવાન સેન્ચુરિયનોમાં એકમાત્ર અહમદ શેહઝાદ જ ગિલથી આગળ છે. ગિલની ઉંમર ૨૩ વર્ષ, ૧૪૬ દિવસ છે. શાહઝાદે ૨૨ વર્ષની ઉંમરે આ સિદ્ધિ મેળવેલી.
શુભમન ગિલ વિશે કૅપ્ટન હાર્દિક પંડ્યાએ શું કહ્યું?
ગયા વર્ષની આઇપીએલમાં હાર્દિક પંડ્યાના સુકાનમાં ગુજરાત ટાઇટન્સને ચૅમ્પિયન બનાવવામાં શુભમન ગિલનું મોટું યોગદાન હતું અને બુધવારે ગિલે ન્યુ ઝીલૅન્ડ સામેની સિરીઝ જિતાડવાની સાથે ટી૨૦ સિરીઝોના અપરાજિત ટી૨૦ કૅપ્ટન હાર્દિકનો રેકૉર્ડ ક્લિયર રખાવ્યો છે. એટલું જ નહીં, ન્યુ ઝીલૅન્ડ ભારતમાં ૧૯૫૦ના દાયકાથી માંડીને અત્યાર સુધીમાં એકેય સિરીઝ નહોતું જીત્યું એ પરંપરા પણ ગિલની સદીને કારણે જ જાળવી શક્યા છીએ.
બુધવારે ગિલની ઇનિંગ્સ વિશે હાર્દિક ખૂબ ખુશ હતો. હાર્દિકે પત્રકારોને કહ્યું, ‘શુભમન ગિલની બૅટિંગ ટેક્નિક એટલી બધી સંગીન છે કે તેના માટે ટી૨૦, ટેસ્ટ અને વન-ડે ત્રણેય ફૉર્મેટમાં બૅટિંગ કરવી સાવ આસાન વાત છે એમ કહી શકાય. તેની રમવાની સ્ટાઇલ પણ ત્રણેય ફૉર્મેટ માટે ફિટ બેસે એવી છે. સૂર્યકુમારની જેમ ગિલ પણ સારો કહી શકાય એવા બૉલને ફટકારીને એને બૅડ બૉલ બનાવી શકે છે. ગિલની આ કુશળતાનો મને ઘણો ફાયદો થયો છે. તે બહુ સમજદારીપૂર્વક બૅટિંગ કરે છે. તે ભારતીય ક્રિકેટ માટે ઍસેટ બની રહેશે.’
બુધવારે અમદાવાદમાં જો રાહુલ ત્રિપાઠી બાવીસ બૉલમાં ૪૪ રનની ઇનિંગ્સ ન રમ્યો હોત તો શુભમન ગિલે તેની ઇનિંગ્સ વધુ ઝડપથી રમવી પડી હોત. - આકાશ ચોપડા


