ગાવસકર કોપાયમાન, હરભજને પણ ટીમ-મૅનેજમેન્ટને આકરી ટકોર સાથે વખોડ્યુ ં
કુલદીપ યાદવ
ચટગાંવમાં બંગલાદેશ સામે સિરીઝની પ્રથમ ટેસ્ટમાં કુલ ૮ વિકેટ લઈને ભારતને શાનદાર વિજય અપાવ્યો એ બદલ લેફ્ટ-આર્મ રિસ્ટ-સ્પિનર કુલદીપ યાદવે ૧૮ ડિસેમ્બરે મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મેળવ્યો ત્યારે તેણે કલ્પના પણ નહીં કરી હોય કે બાવીસમીએ ઢાકાના મીરપુરમાં શરૂ થનારી બીજી અને છેલ્લી ટેસ્ટ માટેની ઇલેવનમાં તેને સમાવવામાં જ નહીં આવે.
ગઈ કાલે શાકિબ-અલ-હસને ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી એ પહેલાં હરીફ સુકાની કે. એલ. રાહુલ તરફથી અપાયેલા પ્લેઇંગ-ઇલેવનના લિસ્ટમાં કુલદીપનું નામ ન વાંચીને શાકિબને તો નવાઈ લાગી જ હશે, બીજા તમામ ક્રિકેટપ્રેમીઓને પણ આ શૉકિંગ બાદબાકીથી આશ્ચર્ય લાગ્યું હશે. કુલદીપને બદલે સૌરાષ્ટ્રના પેસ બોલર જયદેવ ઉનડકટને ટીમમાં સમાવાયો છે.
ચટગાંવમાં ૪૦ રનમાં પાંચ વિકેટ તેનો કરીઅર-બેસ્ટ પર્ફોર્મન્સ હતો અને ટેસ્ટના રૅન્કિંગ્સમાં તેણે ૧૯ ક્રમની છલાંગ મારી હતી. ક્રિકેટ-લેજન્ડ સુનીલ ગાવસકરે સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર કહ્યું કે ‘મારે તો બહુ જ આકરા શબ્દોમાં આ નિર્ણયને વખોડી કાઢવો છે, પણ હમણાં એટલું જ કહું છું કે મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મેળવનાર સ્પિનર જેણે ૨૦માંથી ૮ વિકેટ લીધી હતી તેને ડ્રૉપ કર્યો? મારા તો માનવામાં જ નથી આવતું. આ હું હળવા શબ્દોમાં કહી રહ્યો છું. બાકી, મારે તો આકરા શબ્દોમાં ટીકા કરવી હતી. સ્પિનરને ડ્રૉપ કરવો હતો તો બીજા બે સ્પિનર્સ (અક્ષર પટેલ કે આર. અશ્વિન) પણ હતા. એમાંથી કોઈને પડતો મૂકવો જોઈતો હતો, પરંતુ મીરપુરની પિચ જોતાં કુલદીપને રમાડવો જ જોઈતો હતો.’
ADVERTISEMENT
ભૂતપૂર્વ ખેલાડીઓ ડોડા ગણેશ અને અંજુમ ચોપડાએ પણ કુલદીપને ડ્રૉપ કરવાના નિર્ણયને વખોડ્યો હતો.
કુલદીપને ડ્રૉપ કરવાનો ટીમ-મૅનેજમેન્ટનો નિર્ણય હતો. દરેક ખેલાડીની ક્રિકેટ-સફરમાં આવું બનતું હોય છે, મારી સાથે પણ બની ચૂક્યું છે. ક્યારેક પર્ફોર્મન્સના મુદ્દે અને ક્યારેક ટીમ-મૅનેજમેન્ટના નિર્ણયને કારણે ટીમની બહાર થવું પડે. - ઉમેશ યાદવ
મને લાગે છે કુલદીપ યાદવે મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતવો જ ન જોઈએ. બીજી રીતે કહું તો તેણે આવા પુરસ્કાર સ્વીકારવા જ ન જોઈએ જેથી એ પછીની મૅચમાં તેને ડ્રૉપ તો ન કરવામાં આવે. - હરભજન સિંહ

