ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટને કહ્યું કે ખેલાડીઓએ પિચ વિશે વિચારવાનું છોડી દેવું જોઈએ, અન્યથા તેમની પણ અન્ય પ્રવાસી ટીમ જેવી ખરાબ હાલત થશે
ઑસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી ઇયાન ચૅપલ
ઑસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી ઇયાન ચૅપલના મતે ભારત સામે પહેલી ટેસ્ટમાં ધબડકો થતાં ઑસ્ટ્રેલિયાની સ્પિન સામે રમવાની નબળાઈ છતી થઈ ગઈ છે. પૅટ કમિન્સના નેતૃત્વમાં પ્રવાસે આવેલી ટીમે ઝડપથી પરિસ્થિતિ સાથે સામંજસ્ય કેળવવું પડશે. તેમણે ભારતની પિચો વિશે વધુ વિચારવાનું છોડી દેવું જોઈએ, માત્ર પોતાની રમત પ્રત્યે ધ્યાન આપવું જોઈએ.
રવિચન્દ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાની સ્પિન જોડીએ ઑસ્ટ્રેલિયાને લાલ માટીવાળી પિચ પર પરેશાન કર્યા અને પ્રવાસી ટીમ શનિવારે બીજી ઇનિંગ્સમાં માત્ર ૯૧ રને ઑલઆઉટ થઈ ગઈ, જે ભારતમાં તેમનો સૌથી ઓછો સ્કોર હતો. ભારત નાગપુરમાં પહેલી ત્રણ દિવસની અંદર જ ટેસ્ટ મૅચ જીતી ગયું હતું.
ADVERTISEMENT
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટને ઈએસપીએનક્રિઇન્ફોમાં પોતાની કૉલમમાં લખ્યું હતું કે ‘પહેલી ટેસ્ટમાં સ્પિન માટે મદદગાર પિચો પર સારી સ્પિન સામે ઑસ્ટ્રેલિયાની નબળાઈ છતી થઈ ગઈ હતી. જો આ હારથી ભારતને પડકાર આપવાની તેમની ક્ષમતા પ્રભાવિત નહીં થાય તો તેઓ આ સિરીઝમાં રહેશે અને જો તેમનો આત્મવિશ્વાસ ડગી ગયો તો તેઓ મુશ્કેલીમાં મુકાઈ જશે.’
નાગપુર ટેસ્ટ પહેલાં ભારત પર પિચ સાથે ચેડાં કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ ચૅપલે કહ્યું કે ‘આ પિચ પર રમવાનું વધારે મુશ્કેલ નહોતું. પિચ સાથે ચેડાં કરવાના મીડિયાના આરોપમાં કોઈ નવી વાત નહોતી. ખેલાડીઓએ એ વાત પર વધારે ધ્યાન આપવાની જરૂર નથી, અન્યથા પ્રવાસી ટીમ પર એની ખરાબ અસર થશે. આ વાત પર વધારે પડતું જોર મૂકવામાં આવે છે કે પિચ કેવી હશે? એ વાત યાદ રાખવી જોઈએ કે બન્ને ટીમે એક જ પિચ પર રમવાનું હોય છે. ભારતીય ટીમ મજબૂત છે અને એ કોઈ પણ હાલતમાં જીતવાની ક્ષમતા ધરાવે છે.’
ભારતની પહેલી ઇનિંગ્સને ૪૦૦ રન સુધી લઈ જનાર કૅપ્ટન રોહિત શર્માની સદીનું ઉદાહરણ આપતાં તેમણે લખ્યું કે ‘ઑસ્ટ્રેલિયન ટીમે સ્પિન સામે રમત ન સુધારી તો તેની પણ એ જ હાલત થશે જે અન્ય મહેમાન ટીમની થાય છે.’


