ભારત ૨-૧થી જીતશે તો વન-ડેમાં નંબર-વન
ફાઇલ તસવીર
મોહાલીમાં ગઈ કાલે નંબર-ટૂ ભારતે નંબર-થ્રી ઑસ્ટ્રેલિયાને સિરીઝની પ્રથમ વન-ડેમાં ૮ બૉલ બાકી રાખીને પાંચ વિકેટના માર્જિનથી પરાજિત કરીને ૧-૦થી સરસાઈ મેળવી હતી. ત્રણ મૅચની આ શ્રેણીમાં જો ભારત ૨-૧થી વિજયી થશે તો પાકિસ્તાનને હટાવીને રૅન્કિંગમાં નંબર-વન થઈ જશે. ભારતે બૅટિંગ આપ્યા બાદ કમબૅકમૅન પૅટ કમિન્સની ટીમે ૫૦ ઓવરમાં ૨૭૬ રન બનાવ્યા હતા, જેમાં એકમાત્ર ડેવિડ વૉર્નર (૫૩ બૉલમાં બાવન રન)ની હાફ સેન્ચુરી હતી. મોહમ્મદ શમી (૧૦-૧-૫૧-૫) ગઈ કાલનો સુપરહીરો હતો. તેને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. તેણે પહેલી જ ઓવરમાં મિચલ માર્શ (૪)ની વિકેટ લઈને કાંગારૂઓને શરૂઆતમાં જ આંચકો આપ્યો હતો. પછીથી તેણે સ્મિથ (૪૧) અને સ્ટોઇનિસ (૨૯)ની મહત્ત્વની વિકેટ પણ લઈને પ્રવાસી ટીમને અંકુશમાં રાખી હતી. બુમરાહે ઇંગ્લિસ (૪૫)ની, જ્યારે અશ્વિને લબુશેન (૩૯)ની અને જાડેજાએ વૉર્નરની વિકેટ લીધી હતી. શાર્દૂલને ૭૮ રનમાં વિકેટ નહોતી મળી.
ઋતુરાજ-ગિલની ૧૪૨ની ભાગીદારી
ADVERTISEMENT
૨૭૭ રનનો લક્ષ્યાંક મેળવવા પ્રતિબદ્ધ ભારતની ટીમમાં ચાર બૅટરે હાફ સેન્ચુરી ફટકારી હતી. ઋતુરાજ ગાયકવાડ (૭૧ રન, ૭૭ બૉલ, દસ ફોર) અને શુભમન ગિલ (૭૪ રન, ૬૩ બૉલ, બે સિક્સર, છ ફોર) વચ્ચે ૧૪૨ રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી અને તેમણે વિજયનો પાયો નાખી આપ્યો હતો. શ્રેયસ ઐયરે (૮ બૉલમાં ૩ રન) ગિલ સાથેની ગેરસમજમાં રનઆઉટમાં વિકેટ ગુમાવવી પડી હતી. જોકે સૂર્યકુમાર (૫૦ રન, ૪૯ બૉલ, એક સિક્સર, પાંચ ફોર) અને કે.એલ. રાહુલ (૫૮ અણનમ, ૬૩ બૉલ, એક સિક્સર ચાર ફોર)ની અડધી સદીએ ભારતની નૌકાને પાર પાડી હતી. ઍડમ ઝૅમ્પાએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી.
રાહુલના બે નિર્ણાયક ફટકા
રાહુલે અબૉટના ત્રીજા બૉલમાં ચોક્કો મારીને હાફ સેન્ચુરી પૂરી કરી હતી અને પછીના જ બૉલમાં છગ્ગો ફટકારીને ભારતને વિજય અપાવ્યો હતો. ભારતે ૪૮.૪ ઓવરમાં પાંચ વિકેટે ૨૮૧ રન બનાવ્યા હતા.


