ગયા વર્ષે બર્મિંગહેમમાં આયોજિત કૉમનવેલ્થમાં ભારતીય મહિલાઓની ટીમે ઑસ્ટ્રેલિયા સામે હારી જતાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
ફાઇનલમાં જીત બાદ ગોલ્ડ મેડલ દેખાડતી ભારતીય મહિલા ટીમ
ચીનના હાન્ગજોમાં ગઈ કાલે એશિયન ગેમ્સની વિમેન્સ ટી૨૦ ક્રિકેટની ફાઇનલમાં સ્મૃતિ મંધાના અને જમાઇમા રૉડ્રિગ્સ વચ્ચે થયેલી ૭૩ રનની પાર્ટનરશિપ અને ત્યાર બાદ ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર તિતાસ સાધુએ ચાર ઓવરમાં છ રન આપીને લીધેલી ત્રણ વિકેટને કારણે ભારતે શ્રીલંકાને ૧૯ રનથી હરાવીને વિમેન્સ ટી૨૦ ઇવેન્ટમાં દેશને પહેલો ગોલ્ડ અપાવ્યો હતો. ગયા વર્ષે બર્મિંગહેમમાં આયોજિત કૉમનવેલ્થમાં ભારતીય મહિલાઓની ટીમે ઑસ્ટ્રેલિયા સામે હારી જતાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
હરમનપ્રીતની વાપસી
ગઈ કાલની મૅચ હરમનપ્રીત કૌર માટે ટી૨૦ની કૅપ્ટન તરીકેની ૧૦૦મી મૅચ હતી. બંગલાદેશ સામેની મૅચમાં અમ્પાયરની કરેલી આકરી ટીકાને કારણે તેના પર બે મૅચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે આ મૅચમાં તે માત્ર બે રનમાં જ આઉટ થઈ હતી. ભારતે ક્વૉટર ફાઇનલમાં મલેશિયા તો સેમી ફાઇનલમાં બંગલાદેશની ટીમને હરાવી હતી.
ADVERTISEMENT
ભારતની સારી શરૂઆત
ટૉસ જીતીને ભારતે પહેલાં બૅટિંગ લેતાં સ્મૃતિ અને મેઘનાએ ભારે ટન લેતી પિચ પર અનુક્રમે ૪૬ અને ૪૨ રન કર્યા હતા. જોકે આ બન્ને આઉટ થતાં અન્ય ખેલાડીઓ સારું પ્રદર્શન કરી શક્યા નહોતા. સમગ્ર ટીમ ૭ વિકેટે માત્ર ૧૧૬ રન જ બનાવી શકી હતી.
ફાઇનલમાં ચમકી તિતાસ
આ વર્ષે જાન્યુઆરી મહિનામાં સાઉથ આફ્રિકામાં ઇંગ્લૅન્ડ સામે રમાયેલી અન્ડર-૧૯ વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપ ફાઇનલ પ્લેયર ઑફ ધ મૅચ બનેલી તિતાસ સાધુએ નવ મહિના બાદ હાન્ગજોમાં પણ કમાલ કરી હતી. ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં જ તેણે બે વિકેટ ઝડપી હતી તેમ જ મેઇડન ઓવર પણ નાખી હતી. તેણે પોતાના સ્પેલમાં કુલ ત્રણ વિકેટ ઝડપી હતી. રાજેશ્વરી ગાયકવાડ બે વિકેટ તો દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર અને દેવિકા વૈદ્યએ એક-એક વિકેટ ઝડપી હતી. શ્રીલંકાની ટીમ ૮ વિકેટ ગુમાવીને ૯૭ રન જ બનાવી શકી હતી.
મેન્સ ટીમ પણ જીતે ગોલ્ડ ઃ જેમાઇમા રૉડ્રિગ્સ
ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરનાર જેમાઇમા રૉડ્રિગ્સે કહ્યું હતું કે ‘એશિયન ગેમ્સની ક્રિકેટ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનારી અમારી પહેલી ટીમ બની છે. ઇતિહાસમાં લોકો એ યાદ રાખશે એનો અમને ગર્વ છે. અમે મેન્સ ટીમ સાથે પણ વાત કરી છે તેમ જ તેમને પણ ગોલ્ડ જીતીને લાવવા કહ્યું છે. શ્રીલંકાની ટીમે પણ સારી ફાઇટ આપી હતી. અમે પાર્ટનરશિપ કરી શક્યા એ સારી વાત છે.
શુભેચ્છાઓનો વરસાદ
નરેન્દ્ર મોદી વડા પ્રધાન - એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતીને આપણી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. આપણી દીકરીઓ તેમની પ્રતિભા દ્વારા દેશના ગૌરવને રમતગમતમાં વધારી રહી છે.
મિતાલી રાજ વિમેન્સ ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ કૅપ્ટન - એશિયન ગેમ્સમાં ક્રિકેટનો પહેલો ગોલ્ડ જીતવા બદલ વિમેન્સ ટીમને અભિનંદન. ઑલરાઉન્ડ પ્રદર્શનથી આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે.
સચિન તેન્ડુલકર ભૂતપૂર્વ ક્રિકેટર - એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ટીમની અભૂતપૂર્વ સિદ્ધિ. હજી વધુ ને વધુ આગળ વધો.
નીતા મુકેશ અંબાણી ચૅરપર્સન રિલાયન્સ ફાઉન્ડેશન - એશિયન ગેમ્સમાં કેવી સુવર્ણ શરૂઆત. અમારી મહિલા ટીમે ફરી એક વાર સાબિત કરી આપ્યું કે યોગ્ય સમર્થન, વિશ્વાસ અને સામૂહિક પ્રયત્નો કરવામાં આવે તો આપણી દીકરીઓ ક્યાંય પાછી પડે એવી નથી.
’


