વન-ડેના ક્રમાંકમાં માત્ર બાબરથી જ પાછળ અને બૅટિંગ-સરેરાશમાં પાકિસ્તાનના કૅપ્ટનથી આગળ : કુલદીપને ૯ વિકેટે અપાવી પાંચ નંબરની છલાંગ

શુભમન ગિલ
૮ સપ્ટેમ્બરે ૨૪ વર્ષ પૂરાં કરનાર રાઇટ-હૅન્ડ ઓપનિંગ બૅટર શુભમન ગિલ માંડ ૩૧ વન-ડે રમ્યો છે અને એમાં તે વિશ્વનો નંબર-વન બૅટર બનવાની તૈયારીમાં છે. ગઈ કાલે જાહેર થયેલા આઇસીસીના નવા ઓડીઆઇ રૅન્કિંગ્સમાં ગિલ બીજા નંબરે આવી ગયો હતો અને એકમાત્ર બાબર આઝમ તેનાથી આગળ છે. વધુ આનંદની વાત એ છે કે વન-ડે ક્રિકેટ રમી ચૂકેલા વિશ્વભરના બૅટર્સમાં અત્યારે ગિલની બૅટિંગ-ઍવરેજ સેકન્ડ-બેસ્ટ છે. ૪૩ વર્ષનો નેધરલૅન્ડ્સનો રાયન ટેન ડૉસ્ચેટ છેલ્લી વન-ડે ૨૦૧૧ની સાલમાં (૧૨ વર્ષ પહેલાં) રમ્યો હતો, પરંતુ વન-ડેની બૅટિંગ-સરેરાશમાં તે હજીયે ૬૭.૦૦ની સરેરાશ સાથે મોખરે છે. ઇંગ્લૅન્ડનો ડેવિડ મલાન ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડ સામેની ૯૬ રનની ઇનિંગ્સ બદલ ૬૧.૨૦ની સરેરાશ સાથે બીજા નંબર પર આવી ગયો હતો, પણ અે જ સ્કોર પર આઉટ થઈ ગયો અને અૅવરેજના લિસ્ટમાં પાંચમા નંબર પર ધકેલાયો હતો. ગિલ (૬૧.૧૯) બીજા સ્થાને હતો અને બાબર (૫૮.૪૭) ત્રીજા સ્થાને હતો.
ગિલના ૭૫૯ રેટિંગ
વન-ડે રૅન્કિંગ્સમાં ગિલના ૭૫૯ના રેટિંગ સામે બાબરના ૮૬૩ છે. એશિયા કપની રવિવારની ફાઇનલમાં જો ભારત અને પાકિસ્તાન ફરી સામસામે આવશે તો રેટિંગમાં સુધારો કરવાની બાબતમાં ગિલ અને બાબર વચ્ચે હરીફાઈ થશે. ત્યાર પછી વન-ડેના વર્લ્ડ કપમાં આવી જ હરીફાઈ જામશે અને ત્યારે ગિલને બૅટિંગ પર્ફોર્મન્સ સતત સારો કરવાની સાથે બાબરને નંબર-વનના સિંહાસન પરથી ઉથલાવવાનો મોકો પણ મળશે. સાઉથ આફ્રિકાનો રૅસી વૅન ડર ડુસેન (૭૪૫) ત્રીજા નંબરે છે.
શુભમન ગિલે રવિવાર-સોમવારે રમાયેલી એશિયા કપની સુપર-ફોર મૅચમાં પાકિસ્તાન સામે ૫૮ રન બનાવીને રોહિત સાથે ૧૨૧ રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી, જેને કારણે તેને રૅન્કિંગ્સમાં ત્રીજા સ્થાન પરથી બીજા નંબરે આવવા મળ્યું છે.
પાંચ વર્ષે ટૉપ-ટેનમાં ત્રણ ભારતીયો
ઓડીઆઇ બૅટર્સ રૅન્કિંગ્સના ટૉપ-ટેનમાં ગિલ ઉપરાંત ભારતીયોમાંથી વિરાટ કોહલી (૭૧૫ રેટિંગ) અને રોહિત શર્મા (૭૦૭ રેટિંગ) પણ છે. કોહલી આઠમા અને રોહિત નવમા ક્રમે છે. વન-ડેના ટોચના ૧૦ ક્રમાંકોમાં ત્રણ ભારતીયોનો સમાવેશ અગાઉ સપ્ટેમ્બર ૨૦૧૮માં જોવા મળ્યો હતો. ત્યારે રોહિત, કોહલી અને શિખર ધવન ટૉપ-સિક્સમાં હતા.
કુલદીપ બોલર્સમાં ટૉપ-ટેનમાં આવ્યો
લેફ્ટ-આર્મ રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવ અત્યારે ટૉક ઑફ ધ ટાઉન છે. તેણે ઉપરાઉપરી બે મૅચમાં ભારતને જીત અપાવી છે. તેને બેમાંથી
એકેય મુકાબલામાં મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ ન મળ્યો એ જુદી વાત છે, પણ પાકિસ્તાન સામેના ૨૫/૫ અને શ્રીલંકા સામેના ૪૩/૪ના પર્ફોર્મન્સથી તે કુલ ૯ વિકેટ લઈને ઓડીઆઇ રૅન્કિંગ્સમાં ટૉપ-ટેનમાં આવી ગયો છે. તે ૧૨મા સ્થાને હતો, પણ હવે નંબર-૭ પર આવી ગયો છે.
રાહુલે ઈજા પછીના કમબૅકમાં માત્ર બે ઇનિંગ્સ (૧૧૧* અને ૩૯)થી ૧૦ ક્રમની છલાંગ મારી છે. ૪૭થી ૩૭ ઉપર આવી ગયો છે.
ઓડીઆઇના ટૉપ-ટેન બૅટર્સ |
|||
રૅન્ક |
પ્લેયર |
દેશ |
રેટિંગ |
૧ |
બાબર |
પાકિસ્તાન |
૮૬૩ |
૨ |
ગિલ |
ભારત |
૭૫૯ |
૩ |
વૅન ડુસેન |
સાઉથ આફ્રિકા |
૭૪૫ |
૪ |
વૉર્નર |
ઑસ્ટ્રેલિયા |
૭૩૯ |
૫ |
ઇમામ |
પાકિસ્તાન |
૭૩૫ |
૬ |
ટેક્ટર |
આયરલૅન્ડ |
૭૨૬ |
૭ |
ડિકૉક |
સાઉથ આફ્રિકા |
૭૨૧ |
૮ |
કોહલી |
ભારત |
૭૧૫ |
૯ |
રોહિત |
ભારત |
૭૦૭ |
૧૦ |
ફખર |
પાકિસ્તાન |
૭૦૫ |