આ વિશ્વકપ માટેની આફ્રિકા ખંડની ક્વૉલિફાઇંગ મૅચો નામિબિયામાં જ રમાઈ રહી છે
પ્રતીકાત્મક તસવીર
નામિબિયા ૨૦૨૪ના ટી૨૦ વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થઈ ગયું છે. આ વિશ્વકપ માટેની આફ્રિકા ખંડની ક્વૉલિફાઇંગ મૅચો નામિબિયામાં જ રમાઈ રહી છે અને ગઈ કાલે એણે સતત પાંચમી મૅચ જીતી લીધી હતી જેને લીધે એના ૧૦ પૉઇન્ટ થયા હતા અને +૨.૬૪૩ એનો રનરેટ છે. સાતમાંથી ટોચની બે ટીમને વિશ્વકપમાં જવા મળે અને એમાંની એક ટીમ નામિબિયા નક્કી થઈ ગઈ છે. એણે તાન્ઝાનિયા સામેની મૅચમાં ૫૮ રનથી વિજય મેળવીને આ સિદ્ધિ મેળવી હતી. એનો બૅટર જેજે સ્મિટ (પચીસ બૉલમાં ૪૦ રન) આ જીતનો હીરો હતો. નામિબિયા કોવિડ-૧૯ પછીના ૨૦૨૧ના અને ૨૦૨૨ના ટી૨૦ વર્લ્ડ કપમાં પણ રમ્યું હતું. ગઈ કાલે ઝિમ્બાબ્વેને કૅપ્ટન સિકંદર રઝા (૩૬ બૉલમાં ૫૮ રન અને ત્રણ રનમાં ત્રણ વિકેટ)ના વિક્રમજનક પર્ફોર્મન્સને કારણે રવાન્ડા સામે રોમાંચક જીત મળી હતી.


