ઇન્ડિયન ગર્લફ્રેન્ડ માટે દેશ છોડ્યો પાકિસ્તાની સ્પિનર ઇમરાન તાહિરે
IPLમાં દિલ્હી ડેરડેવિલ્સ વતી રમી રહેલો સાઉથ આફ્રિકન લૅગ સ્પિનર ઇમરાન તાહિર હાઇએસ્ટ ૧૦ વિકેટ સાથે પર્પલ કૅપ પહેરીને છવાઈ ગયો છે. વર્લ્ડ કપમાં પણ તાહિરનો પફોર્ર્મન્સ શાનદાર રહ્યો હતો.
ઘણા ઓછા લોકોને ખબર હશે કે તાહિર ૧૯૯૮માં પાકિસ્તાનની અન્ડર-૧૯ ટીમમાં રમી ચૂક્યો છે. તો એ જાણતા નહીં હો કે તે પાકિસ્તાનથી સાઉથ આફ્રિકા શા માટે જતો રહ્યો. તાહિરે તાજેતરમાં એક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં આ બાબતે દિલ ખોલીને વાત કરી હતી કેમ કે આમાં વાત પણ દિલની જ છે.
તાહિર ૧૯૯૮માં પાકિસ્તાનની ટીમ સાથે સાઉથ આફ્રિકામાં અન્ડર-૧૯ વર્લ્ડ કપ રમવા ગયો હતો. આ દરમ્યાન ડરબનમાં તેની મુલાકાત ભારતીય મૂળની સુમય્યા દિલદાર (Sumayya Dildar) સાથે થઈ અને ભલભલા બૅટ્સમેનોને તેની કાંડાની કરામતથી ફસાવતો તાહિર પોતે જ ક્લીન બોલ્ડ થઈ ગયો. પ્રેમના નશામાં તાહિરે પાકિસ્તાન છોડીને આખરે ૨૦૦૬માં સાઉથ આફ્રિકા શિફ્ટ થવાનો નિર્ણય કરી લીધો. ૨૦૦૬માં તાહિર અને સુમય્યાએ લગ્ન કરી લીધાં. તાહિર ત્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના કૉન્ટ્રૅક્ટ પ્લેયરની યાદીમાં સામેલ હતો અને લાહોર ટીમનો કૅપ્ટન પણ હતો. સુમય્યાને પાકિસ્તાન નહોતું જવું અને તાહિર ફરી ત્યાં જાય એ ઇચ્છતી નહોતી. જો તમારે તમારી પસંદગીની કન્યા જોઈતી હોય તો તેનું સાંભળવું પણ જોઈએ એમ નિર્ણય લઈને તેણે કાયમ માટે પાકિસ્તાનને અલવિદા કરી દીધા.
શરૂઆતનાં વષોર્માં તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો પણ અમુક મિત્રોની મદદથી તે ટકી રહ્યો. સાઉથ આફ્રિકામાં લોકલ મૅચોમાં રમીને શાનદાર પફોર્ર્મન્સ અને કડી મહેનતથી એ આગળ વધતો રહ્યો.
૨૦૦૯માં આખરે તાહિરને ચાર વર્ષના વસવાટ અને લોકલ કન્યા સાથેનાં લગ્નને આધારે નાગરિકત્વ મળી ગયું અને ૨૦૧૧માં તો તેણે સાઉથ આફ્રિકાની નૅશનલ ટીમમાં એન્ટ્રી મારી લીધી. તાહિર અને સુમય્યાને એક વર્ષનો પુત્ર જિબરાન (Gibran) છે.

