ફાસ્ટ બોલર નસીમ સવા વર્ષથી વન-ડે નથી રમ્યો : નવો સ્પિનર ઉસામા મીર પણ ટીમમાં
ફાઇલ તસવીર
છેલ્લે જૂન ૨૦૨૨માં (૧૫ મહિના પહેલાં) મુલતાનમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે રમેલા ફાસ્ટ બોલર હસન અલીને ભારતમાં ઑક્ટોબર-નવેમ્બરમાં રમાનારા વન-ડેના વર્લ્ડ કપ માટેની પાકિસ્તાનની ટીમમાં સમાવવામાં આવ્યો છે. ૬૦ વન-ડેના અનુભવી હસને કુલ ૯૧ વિકેટ લીધી છે. તેને વર્લ્ડ કપ ટીમમાં ઈજાગ્રસ્ત નસીમ શાહના સ્થાને લેવામાં આવ્યો છે. નસીમને તાજેતરના એશિયા કપમાં ખભામાં ઈજા થઈ હતી અને તે કદાચ વર્લ્ડ કપ ઉપરાંત એ પછીની અમુક મૅચમાં પણ નહીં રમે.
પાકિસ્તાને એક્સ્ટ્રા લેગ-સ્પિનર ઉસામા મીરને પણ વર્લ્ડ કપની ટીમમાં સામેલ કર્યો છે. તે વન-ડેમાં ડેબ્યુ કરી ચૂક્યો છે, પણ એશિયા કપ માટેની ટીમમાં નહોતો. ફાસ્ટ બોલર્સમાં હસન ઉપરાંત શાહીન શાહ આફ્રિદી, હૅરિસ રઉફ અને મોહમ્મદ વસીમનો સમાવેશ છે. સ્પિનિંગ ઑલરાઉન્ડર્સમાં મોહમ્મદ નવાઝનો ચાન્સ લાગ્યો છે, પણ ફહીમ અશરફ ટીમમાં નથી.
ADVERTISEMENT
પાકિસ્તાન વન-ડેમાં નંબર-વન છે, પરંતુ ભારત સામેની કારમી હાર અને શ્રીલંકા સામે છેલ્લા બૉલના પરાજયને પગલે પાકિસ્તાન ક્રિકેટ ટીમની તેમ જ ક્રિકેટ બોર્ડની દેશમાં ખૂબ ટીકા થઈ છે. એશિયા કપમાંના રકાસને કારણે જ પાકિસ્તાનની ટીમ છેક ગઈ કાલે જાહેર કરવામાં આવી હતી.


